રાજસ્થાન: વૃદ્ધ પૂજારીને પેટ્રોલ નાખી જીવતા સળગાવી દેવામાં આવ્યા
કરોલી: કહેવત છે કે, ‘જર, જમીન અને જોરૂ કજીયાના છોરૂ’, રાજસ્થાનમાં આ કહેવત સાર્થક કરતી એક ઘટના સામે આવી છે, જેમાં જમીન વિવાદમાં એક વૃદ્ધ પૂજારીને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના કરોલી જિલ્લાના સપોટરા પોલિસ સ્ટેશન વિસ્તારના બકૂના ગામમાં મંદિરની જમીનને લઈ બે પક્ષોમાં થયેલા વિવાદમાં પૂજારીને પેટ્રોલ નાખી જીવતો સળગાવી દેવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પૂતારીએ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દમ તોડી દીધો.
આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂર્વ સીએમ વસુંધરા રાજે આ ઘટનાની કડક નીંદા કરી છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસની અડધો ડઝન ટીમ સર્ચ અભિયાન અને તપાસમાં લાગી ગઈ છે.
સપોટરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, આ ઘટના બુધવાર સવારની છે. આરોપ છે કે, મંદિરની જમીન પર કબજો કરવા માટે કૈલાશ મીણા, શંકર, નમો, રામલખન મીણા લોકોને વિવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ પૂજારી બાબૂલાલે તેમને રોકવાની કોશિશ કરી. આ મામલે આરોપીઓએ તમના પર પેટ્રોલ નાખી તેમને જીવતા સળગાવી દીધા. આ ઘટનામાં પૂજારી ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારજનોએ તેમને પહેલા સપોટરા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, પરંતુ સ્થિતિ નાજૂક થવા પર જયપુર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
જયપુરમાં સારવાર દરમિયાન ગુરૂવાર સાંજે વૃદ્ધ પૂજારીનું મોત થયું છે. પૂજારીએ મરતા પહેલા પોલીસને નિવેદન આપતા કહ્યું હતું કે, મંદિરની જમીન પર દબાણ કરવા માટે આ લોકોને રોકવામાં આવતા તેમણે મારી પર પેટ્રોલ છીંટી આગ લગાવી દીધી.મંદિરમાં જમીન દબાણને લઈને છેલ્લા કેટલાક દિવસની વિવાદ ચાલી રહ્યો હતો. ગામમાં આ મામલે પંચાયત પણ થઈ હતી. તેમાં પંચ પટેલોએ જમીન પર કબજો કરનાર લોકોને કબજો હટાવી લેવાનું ફરમાન પણ કર્યું હતું. પરંતુ, આરોપીઓએ પંચ પટેલોની વાત પણ ન માની.