રેપ ઇન ઈન્ડિયાને લઇને રાહુલ ગાંધી ફસાયા
નવી દિલ્હી: લોકસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે આજે રાહુલ ગાંધીના રેપ ઇન ઈન્ડિયા નિવેદનને લઇને જારદાર હોબાળો થયો હતો. ભાજપની મહિલા સાંસદો સહિત અનેક નેતાઓએ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને માફીની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ગઇકાલે ગુરુવારના દિવસે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના ભાગરુપે પ્રચાર વેળા મેક ઇન ઈન્ડિયાને લઇને આજ આધારે રેપ ઇન ઈન્ડિયાની વાત કરી હતી. ત્યારબાદથી જારદાર હોબાળો જારી છે. આજે સરકાર તરફથી કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મોરચા સંભાળ્યા હતા. સ્મૃતિએ કહ્યું હતું કે, ગાંધી પરિવારની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી શરમજનક છે જ્યારે રાજનાથસિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને સાંસદ તરીકે રહેવાનો કોઇ અધિકાર નથી.
રાજનાથસિંહે આક્રમક નિવેદન કરતા કહ્યું હતું કે, આવી ભાષાનો ઉપયોગ કરનાર સભ્યોને સાંસદ તરીકે રહેવાનો કોઇ અધિકાર નથી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છે કે, મોદી મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમ પર ભાર મુકી રહ્યા છે જેથી ભારત આયાતકાર દેશમાંથી નિકળીને નિકાસકાર દેશ બની શકે જેથી આ યોજના ચાલી રહી છે. લોકોને રોજગારી મળી શકે પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી દીધી છે.