વેજલપુર અને ગોતામાં ચેઈન સ્નેચિંગના બનાવ
ગોતામાં વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ : મહિલાઓમાં ફફડાટ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતક વચ્ચે ચીલઝડપ કરતી ગેંગ પણ સક્રિય બની છે શહેરના ગોતા અને વેજલપુર વિસ્તારમાં ત્રાટકેલી ચીલઝડપ કરતી ગેંગે બે મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરતા મહિલાઓમાં ફફડાટ ફેલાયો છે આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે અને તેના મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પરંતુ ગુનાખોરી વધી રહી છે જેના પરિણામે સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે
ખાસ કરીને શહેરમાં બાઈકો પર ફરતી ચીલઝડપ કરતી ટોળકી રોજ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકી રહી છે શહેરના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ્ રોડ પર સર્જન ટાવરમાં રહેતી રમીલાબેન હિરાલાલ બારોટ નામની વૃદ્ધ મહિલા ગઈકાલે સવારે વંદેમાતરમ્ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ મોટર સાયકલ પર બે શખ્સો તેમની નજીક આવી ગયા હતા
રમીલાબેન કશું સમજે તે પહેલાં જ બાઈક પર બેઠેલા એક શખ્સે તેમના ગળામાંથી રૂ.પ૦ હજારની કિંમતની સોનાની ચેઈન તોડી લીધી હતી ગણતરીની સેંકડોમાં જ બનેલી આ ઘટનાથી વૃદ્ધા ગભરાઈ ગઈ હતી અને બુમાબુમ કરવા લાગી હતી જેના પરિણામે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા પરંતુ તે પહેલા બંને લુંટારુઓ બાઈક પર ફરાર થઈ ગયા હતાં આ અંગે રમીલાબેન બારોટે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચીલઝડપનો બીજા બનાવ વેજલપુર વિસ્તારમાં બન્યો હતો જીવરાજપાર્ક રોડ પર વસ્ત્રાપુર રેલવે લાઈન પાસે આવેલા અશ્વલેખા ફલેટમાં રહેતા બસંતીબહેન દિનેશભાઈ પટેલ નામની ૪ર વર્ષની મહિલા ગઈકાલે રાતના ૯.૩૦ વાગ્યાની આસપાસ પોતાના ફલેટ પાસેથી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને બસંતીબહેનના ગળામાંથી રૂ.રર હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી લીધી હતી. બસંતીબહેન બુમાબુમ કરવા લાગ્યા હતા પરંતુ ગણતરીની સેંકડોમાં ધુમ સ્ટાઈલથી બંને લુંટારુઓ ભાગી છુટયા હતા આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વેજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.