Western Times News

Gujarati News

શાહઆલમમાં પુત્ર એ ઘરમાં તોડફોડ કરી પિતા પર હુમલો કર્યો

પોલીસે પુત્રને ઝડપી લઈ હાથ ધરેલી કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના શાહઆલમ વિસ્તારમાં ગઈકાલે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો જેમાં પરિવારજનોએ એક યુવાન પુત્રને તેની ખોટી સંગત તથા હરકતોના કારણે ઘરમાંથી બહાર કાઢી મુકયો હતો પરંતુ ઉશ્કેરાયેલા આ યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરમાં દરવાજા તોડીને ઘુસી ગયા બાદ તોડફોડ કરી હતી અને તેના પિતા ઉપર હુમલો કરતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકો પણ ચોંકી ઉઠયા હતા. પરિવારજનોએ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગતા અધિકારીઓ તાત્કાલીક દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી લઈ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.


આ અંગેની વિગત એવી છે કે શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશન હેઠળના શાહઆલમ વિસ્તારમાં મીરા સિનેમા પાછળ સોસાયટીમાં ફિરોજખાન સુલતાનખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે તેમનો બીજા નંબરનો પુત્ર શાહબાજ ખાન ફિરોજખાન પઠાણ ખોટી સગતના કારણે પરિવારજનો ચિંતિત રહેતા હતા અને તેને ઘરમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરના સમયે નિવૃત જીવન ગુજારતા ફીરોજખાન પઠાણ તેની માતાને મળવા માટે જમાલપુર ગયા હતા આ દરમિયાનમાં જ ફિરોજખાનના મોટા પુત્ર પરવેઝ ખાનનો તેમની પર ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતાં બીજીબાજુ ફિરોજખાન તેમની માતાને મળવા ગયા ત્યારે શાહબાજ ખાન બળજબરીપૂર્વક ઘરમાં ઘુસ્યો હતો તેણે ઘરનો દરવાજા પણ તોડી નાંખ્યો હતો તથા ઘરમાં પડેલા માલસામાનની પણ તોડફોડ કરી હતી. હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા શાહબાજ ખાને આંતક મચાવ્યો હતો જેના પગલે પરવેઝખાને ફોન કરીને પિતાને તાત્કાલિક ઘરે બોલાવ્યા હતાં.

ફિરોજખાન તાત્કાલિક ઘરે આવી પહોંચતા ઘરમાં બધી ચીજવસ્તુઓ તુટેલી જાવા મળી હતી આ સમયે શાહબાજખાન પણ ઘરમાં હાજર હતો પિતાને જાતા જ શાહબાજ ખાન વધુ ઉશ્કેરાયો હતો અને તેમના પર હુમલો કર્યો હતો તથા ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ દરમિયાનમાં પરિવારના એક સભ્યે પોલીસની મદદ માંગતા અધિકારીઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શાહબાજ ખાનને ઝડપી લઈ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.