સંતરામપુર તાલુકાના ભુગડ ગામે યોજાયેલ આરોગ્ય કેમ્પ
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહીસાગર જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રોના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તદ્અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભુગડ ખાતે ભૂગડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્યલક્ષી કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પ દરમિયાન ગામના યુવાનો, મહિલાઓ, વયોવૃધ્ધો અને સગર્ભા મહિલાઓની તપાસ અર્થે આઇએલઆરઇ અને સારી કેમ્પ યોજાયો હતો. જેમાં તમામના આરોગ્યની ચકાસણી કરવાની સાથે SPO2ની પણ તપાસ કરવામાં આવી હતી. જયારે સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઇ તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તેમજ સગર્ભા મહિલાઓને ફરજિયાત માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જણાવાયું હતું. જયારે કેમ્પ દરમિયાન હોમિયોપેથિક આર્સેનિક આલ્બમ દવાઓનું વિતરણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું.