‘સરફરોશ’ના ૨૫ વર્ષ, આમિર ખાન હવે તેની સીક્વલ બનાવશે
મુંબઈ, આમિર ખાન અને સોનાલી બેન્દ્રેની બ્લોકબસ્ટર ફિલ્મ સરફરોશ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. ફિલ્મના ૨૫ વર્ષ પૂરા થતાં હોઈ મુંબઈ ખાતે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મની કાસ્ટ ઉપરાંત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
આમિર ખાને ‘સરફરોશ’ની સફળતાની રજત જયંતી ઉજવવાની સાથે સીક્વલ બનાવવાનું એલાન પણ કર્યું હતું. સરફરોશના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આમિર ખાન અને સોનાલી બેન્દ્રે ઉપરાંત, મકરંદ દેશપાંડે, ગોવિંદ નામદેવ, પ્રદીપ રાવત સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.
બોલિવૂડમાં હાલ પૂરજોશમાં સીક્વલનો દોર ચાલી રહ્યો છે ત્યારે આમિર ખાને ‘સરફરોશ’ની સીક્વલ બનાવવાના સંકેત આપ્યા હતા. આમિર ખાને સ્પેશિયલ સ્ક્રિનિંગમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સરફરોશ ૨ બનાવવાની તેમની તીવ્ર ઈચ્છા છે.
મને લાગે છે કે સરફરોશ ૨ બનવી જોઈએ. યોગ્ય સ્ક્રિપ્ટ મળે તો ફિલ્મની શરૂઆત કરવામાં આવશે. સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આમિર ખાનના ચાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે આમિર ખાન પોતાની ફિલ્મની સીક્વલ બનાવતા નથી.
પણ, બોલિવૂડમાં હાલ સીક્વલનો દોર જામી રહ્યો છે, તેથી આમિર ખાને પણ આ દિશામાં વિચાર શરૂ કર્યો છે. આમિર ખાન અને સોનાલી બેન્દ્રેની જોડી આ સીક્વલમાં ફરી જોવા મળશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે, આમિર ખાને સ્ક્રિપ્ટ વિચારી લીધી હશે અને તેથી જ તેમણે સીક્વલની વાત કરી હશે.SS1MS