અમરેલીમાં ભારે વરસાદને પગલે ૩૪ ગામ હાઇ એલર્ટ પર
(એજન્સી)અમરેલી, જિલ્લાના ધારી તેમજ ગીર જંગલ વિસ્તારમાં ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ધારીના હિરાવા, પાતળા, ત્રંબકપુર, ગઢિયા, તરશીંગડા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ શરૂ થયો છે.
ભારે વરસાદને કારણે ધારી પંથકની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે હિરાવા ગામની પાસેથી નીકળતી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધારીનો ખોડિયાર ડેમ ફરી છલકાયો છે.
ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ખોડિયાર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. મહત્ત્વનું છે કે, ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થતા ખોડિયાર ડેમના ત્રણ દરવાજા બે-બે ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.
ખોડિયાર ડેમના દરવાજા ખોલતા કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાંચ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૩૪ જેટલા ગામને સાવચેત કરવામાં આવ્યા છે. આ સિવાય નદીના પટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે એલર્ટ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે.