Western Times News

Gujarati News

ભારતમાં 100 માંથી 60 થી 70 લોકો ડિજિટલી પેમેન્ટ કરે છેઃ સુશીલ કુમાર મોદી

ભારત ‘ડિજિટલ સુપર પાવર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે; એમ કહીને શ્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, ભારત સરકારે અપનાવેલી ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર પદ્ધતિએ આખા વિશ્વને વિસ્મયમાં નાખી દીધું છે. આજે ભારતમાં 100 માંથી 60 થી 70 લોકો ડિજિટલી પેમેન્ટ કરી રહ્યા છે. યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં ભારતે વિક્રમો સર્જ્યા છે.

ગત વર્ષની સરખામણીએ ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની રકમમાં 91% ની વૃદ્ધિ થઈ છે અને ડિજિટલ ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં 26 ટકાનો વધારો થયો છે. 30 દેશો યુપીઆઈ ટ્રાન્જેક્શનમાં ભારત પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. આવનારા સમયમાં ભારત ડિજિટલ કરન્સી અપનાવી શકે એ દિશામાં પ્રયોગો થઈ રહ્યા છે.

હીરા ઉદ્યોગ માટે ગુજરાત અને ખાસ કરીને સુરત મુખ્ય-મહત્વનું મથક છે. વર્તમાન સમયમાં ‘લેબ મેઈડ ડાયમંડ’ ની માંગ પણ કુદરતી ડાયમંડ જેટલી જ છે ત્યારે લેબ મેઈડ ડાયમંડના વિષયમાં વિશેષ સંશોધનો કરવા આઇઆઇટી, ચેન્નાઈને કામગીરી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, લેબ મેઈડ ડાયમંડ પરની કસ્ટમ ડ્યુટી પણ 5% ને બદલે શૂન્ય કરવામાં આવી છે.

શ્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે દેશમાં ટેક્સ આપનારા લોકો પૈકી એક કરોડ લોકો રૂ.5 થી 7 લાખની મર્યાદામાં આવે છે. આ લોકો પાસે હવે બંને વિકલ્પો ખુલ્લા છે. એટલું જ નહીં, અગાઉ ફરજિયાત બચત કરવી પડતી હતી તેને બદલે હવે કરદાતાઓ પોતાની પસંદગીની બચત કરી શકશે.

તેમણે કહ્યું હતું કે, દેશમાં 25 લાખ કરોડની બચત થાય છે. તેમાંથી ટેક્સ સંલગ્ન બચત માત્ર 4 લાખ કરોડ જેટલી જ છે. સરકારે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે બે નવી બચત યોજનાઓ પણ શરૂ કરી છે. ફેમિલી પેન્શનની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ બેઠકમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી પથિક પટવારી, ધી ઈન્સ્ટિટયૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની વેસ્ટર્ન ઈન્ડિયા કાઉન્સિલના અધ્યક્ષ શ્રી બીશન શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદના પ્રમુખ શ્રી સરજુ મહેતા, ઉપપ્રમુખ શ્રી શિવાંગ ચોકસી, આગેવાનો શ્રી ડૉ. અનિલ પટેલ, ડૉ. ઋત્વિજ પટેલ અને વેપાર, વાણિજ્ય તથા આર્થિક ક્ષેત્રોના તજજ્ઞો અને આગેવાનો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.