ગણેશ વિસર્જનમાં લેસર લાઈટને કારણે 65 લોકોએ દ્રષ્ટિ ગુમાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Eyes.jpg)
(એજન્સી)કોલ્હાપુર, તાજેતરમાં જ સંપન્ન થયેલા ગણેશોત્સવની આખા દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. જાેકે, ઉજવણીના આ અતિરેકમાં કેટલાક ગણેશ મંડળો દ્વારા ગણપતિની સ્થાપના તેમજ વિસર્જન યાત્રામાં લેસર લાઈટનો બેફામ ઉપયોગ થયો હતો. જેના કારણે માત્ર મહારાષ્ટ્રના જ કોલ્હાપુર જિલ્લામાં ૬૫ લોકોને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે.
કોલ્હાપુર ઓપ્થોમોલોજિસ્ટ એસોસિએશનના પ્રમુખ ડૉ. અભિજિત ટગારેના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ ગણેશ વિસર્જન યાત્રામાં કલાકો સુધી લેસર લાઈટની સામે ડાન્સ કર્યો હતો. જેના કારણે હોર્મોનલ ચેન્જિસ તેમજ હાયપોગ્લેસિમાની સ્થિતિ સર્જાય છે. તેનાથી રેટિનામાં બ્લિડિંગ થાય છે, અને પરિણામે આંખોની દ્રષ્ટિ જતી રહે છે.
છેલ્લા ૧૦-૧૨ દિવસમાં માત્ર કોલ્હાપુરમાં જ ૬૫ જેટલા દર્દી અને તેમાંય ખાસ કરીને યુવાવયના લોકોએ લેસર લાઈટને કારણે આંશિક અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી છે. આંખોમાં ડ્રાયનેસ, બળતરા તેમજ આંખોમાં સોજા ઉપરાંત થાક લાગવો અને માથામાં સતત દુઃખાવો રહેવો પણ આ જ સમસ્યાના લક્ષણો છે.
લેસર લાઈટને કારણે ગયેલી દ્રષ્ટિને પાછી લાવવા માટે સર્જરીની જરુર પડે છે, જેનો ખર્ચો ખૂબ જ વધારે છે તેમ પણ ડૉક્ટર્સનું કહેવું છે. ડૉ. તગારેના જણાવ્યા અનુસાર, લેસર લાઈટનો ઉપયોગ મેડિકલ તેમજ ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઉપયોગ થાય છે.