‘લિજ્જત પાપડ’ને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવનાર બે ચોપડી ભણેલા ગુજરાતી મહિલા જસવંતીબહેન પોપટ

7 મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈઃ ઉધારીથી અડદનો લોટ લાવી પાપડ તૈયાર કર્યા અને નવી શાખા ખોલે ત્યારે પોતે જાતે જઈ ત્રણ મહિના સાથે રહી બહેનોને ટ્રેનિંગ આપે છે.
80 રૂપિયાની ઉધારીમાં શરૂ કરેલ ધંધો આજે ૪૫,૦૦૦ મહિલા વર્કર્સ સાથે ૧૬૦૦ કરોડ સુધી પહોંચ્યો છે.
જસવંતીબહેન પોપટ; ‘નારી કદી ન હારી’. અગણિત સ્ત્રીઓ રોજીરોટી માટે નાનાંમોટાં કામ કરી પરિવારનું આર્થિક પાસું પણ સંભાળે છે. અનેક સામાજિક એકમો આવી મહિલાઓને દિશા ચીંધે છે અને સ્વનિર્ભર બનવા સહાય કરે છે.
વર્ષ ૨૦૨૧માં ‘લિજ્જત પાપડ’ને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવનાર, માત્ર બે ચોપડી ભણેલાં ૯૩ વર્ષીય ગુજરાતી મહિલા જસવંતીબહેન જમનાદાસ પોપટને ‘ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ’માં પદ્મશ્રી પુરસ્કાર મળે છે. પોતાના કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ દર વર્ષે રાષ્ટ્રપતિના વરદ હસ્તે આ પદ્મશ્રી સન્માન અર્પણ થતું હોય છે.
એક સ્ત્રી માત્ર ૧૭ વર્ષે લગ્ન કરીને સાસરે આવે છે. મોટાભાગની ભારતીય સ્ત્રીઓની જેમ કુટુંબની સેવામાં લાગી જાય છે. ત્રણ સંતાનો શાળાએ જતાં થયાં એટલે સમયની થોડી મોકળાશ મળી.
અને એ સ્ત્રી ઘરમાં કંઈક ને કંઈક નવી વાનગી બનાવવા લાગી. સમયનો સદ્ઉપયોગ કરવા કંઈક કામ કરવું જોઈએ એમ વિચારી તેણે ૧૯૫૦માં પોતાના ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કર્યું.
એક વાર બાજુમાં રહેતી એક સ્ત્રી બપોરે એને બોલાવવા આવી અને કહ્યું કે ‘અમે બધા બપોરે બેસીને અલક મલકની વાતો કરીએ છીએ, તમે પણ આવો.’
તેણી ત્યાં ગઈ અને બધી સ્ત્રીઓને કહ્યું કે ‘બપોરે બેસીને આડી-અવળી વાતો કરીએ એના કરતા કંઈક કામ કરીએ તો?’
એક સ્ત્રીએ કહ્યું કે ‘આખો દિવસ ઘરમાં કામ તો કરીએ છીએ, બહેન, બપોરે તો થોડી શાંતિ લેવા આ સાંભળી બધી સ્ત્રીઓ હસવા લાગી. પણ એ સ્ત્રી નિરાશ ન થઈ અને કહેતી ગઈ કે, ‘સાવ હળવું કામ છે, સાથે વાતો પણ કરી શકો અને રૂપિયા પણ મળે. .જેની ઇચ્છા હોય એ મને મળે.’
મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈમાં પતિ કામે જાય અને બાળકો નિશાળે જાય એ પછી સવારથી ઠેઠ સાંજ સુધી આ મહિલાઓ પાસે ખાસ કશું કામ રહેતું નહોતું. વળી ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ની જેમ ત્યાં એ સમયે પાણી પણ વેચાતું મળતું. વળી, ખાવાવાળાં ઝાઝાં ને કમાનારો એક હોય તો ગુજરાતણોને નવરું બેસવું પોસાય ?
૧૯૫૯નો એ માર્ચ મહિનો હતો. દક્ષિણ મુંબઈના ગિરગામ ઇલાકામાં રહેતી સાત મહિલાઓ એક ઇમારતની છત પર ભેગી થઈ. ૮૦ રૂપિયાની ઉધારીથી થોડો અડદનો લોટ, હિંગ અને કાળાં મરી જેવો કાચો માલ લાવી અડદનો લોટ બંધાયો અને અડદના પાપડ તૈયાર કર્યા. ૮૦ પાપડ બન્યા. નજીકના દુકાનદારને વેચ્યા.
પાપડની લિજ્જત સારી હતી એટલે વેચાઈ ગયા. દુકાનદારે વધારે માંગ્યા. અને પછી તો ધંધો ચાલી પડ્યો. પંદર દિવસમાં તો ઉધાર લીધેલા પરત કરી શકાય એટલો વકરો પણ થયો. લગભગ છ દાયકા પહેલાંના આ ૮૦ રૂપિયા એટલે આંખ અંજાઈ જાય એટલી રકમ. ધીરે ધીરે મહોલ્લાની બહેનો જોડાતી ગઈ.
રોજ બપોરે સામૂહિક પાપડપ્રવૃત્તિ થવા લાગી. આસપાસના મહોલ્લામાંથી પણ બહેનો આવવા લાગી. શરૂઆતમાં વરસાદના કારણે પાપડ ન સુકાતાં કામ અટકી પડતું ત્યારે ખાટલા અને સ્ટવથી એ સમસ્યાને દૂર કરી. ખાટલા પર પાપડ પાથરતા ગયા અને નીચે રાખેલા સ્ટવથી તેને સૂકવતા ગયા.
સ્વાદ અને સહકારની સરગમ પર સુરીલી સિમ્ફની સર્જનાર આ સ્ત્રી એટલે જ લિજ્જતનાં ફાઉન્ડર મહિલા જસવંતીબહેન પોપટે સમાજની મહિલાઓને સ્વાવલંબી અને સમૃદ્ધ બનાવવા નિરંતર અથાગ પ્રયત્ન કરનાર પુરુષોત્તમ દત્તાણીના માનદ માર્ગદર્શન હેઠળ સાત ગુજરાતણોએ ૮૦ રૂપિયાની ઉધારીમાં શરૂ કરેલ ધંધો આજે ૪૫,૦૦૦ મહિલા વર્કર્સ સાથે ૧૬૦૦ કરોડ સુધી પહોંચ્યો છે.
ટી.વી. ઉપર જાહેરાતમાં આવતા કર્ણપ્રિય જિંગલથી લિજ્જત પાપડ વધુ જાણીતા બન્યા. લિજ્જતના નોખી લહેજત આપતા પાપડની માત્ર ભારતમાંજ માંગ છે તેવું નથી. વિદેશમાં પણ લિજ્જતનું ૮૦ કરોડનું નિકાસબજાર છે.આ કલ્પનાતીત છે. અવિશ્વસનીય અને અજોડ ઘટના છે. મહાન કાર્ય કોઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા ભાગ્યે જ સિદ્ધ થાય છે. એ ટીમવર્ક દ્વારા જ પરિપૂર્ણ થાય છે.
જ્યારે ટીમની દરેક વ્યક્તિ એક લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોય છે ત્યારે સંગઠન ઝડપથી સફળતા તરફ આગળ વધે છે. સૌના વિચારોની મહેક તેમાં ભળી હોવાથી એ નાવીન્યપૂર્ણ પણ હોય છે. ટીમવર્કથીલિજ્જતનું ડ્રીમવર્ક આજે તો આસમાનની બુલંદીએ પહોંચ્યું છે. જહાં ચાહ, વહાં રાહ.
લિજ્જત પાપડ આજે દરેક ઘરના ભોજનમાં પોતાની અણનમ હાજરી નોંધાવી ઉચ્ચ ગુણવત્તાની છડી પોકારે છે. સસ્સારાણાની કુર્રમ કુર્રમ કાયનાતથી ભોજન ભાતીગળ બન્યું છે. ક્રિસ્પી બન્યું છે જે દુબારાનો દરબાર સર્જે છે. લિજ્જત એક સહકારી સંગઠન છે. મૂળ વિચાર ભલે જસવંતીબહેનનો હતો. ૯૩ નોટઆઉટ જસવંતીબા આજે પણ સક્રિયતાની મિસાલ છે.
તેમણે ૨૦૦ રૂપિયાની લોન લઈને મૂડી ઊભી કરી અને પાપડનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. દત્તાણીબાપાના માર્ગદર્શનમાં ગૃહઉદ્યોગનું રજિસ્ટ્રેશન કરાવ્યું. પહેલાં ‘લજ્જત’ અને પછી ‘લિજ્જત’ પાપડ નામ આપ્યું. ખાદી ગ્રામોદ્યોગે પણ સહયોગ આપ્યો. સારી ભાવના હોય તો તમારી મદદ કરવા ઈશ્વર પણ ઊતરી આવતો હોય છે. ૬૬ વર્ષ પહેલાંનો અડદનો દાણો આજે દોમદોમ ફાલી દમામભેર ઊભો છે. આજે એ ભારતનાં ૧૭ રાજ્યોમાં ૮૨ બ્રાન્ડ ધરાવે છે. ગિરગામ મુંબઈમાં તેનું હેડ ક્વાર્ટર છે. એકસરખા સ્વાદ, કદ અને ગુણવત્તા લિજ્જત
પાપડની ઓળખ છે. તેની પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા એટલી જ બુલંદીએ છે. પાપડ બનાવવા માટેનો અડદની દાળમાં મસાલો ભેળવેલો લોટ તો કંપની પર જ બનાવવામાં આવે છે. પાપડ માટે ખૂબ જરૂરી એવો મસાલો હિંગ તો છેક અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવે છે ! લિજ્જતની કંપનીનો મુખ્ય ઉદ્દેશ આર્થિક પછાત મહિલાઓ માટે રોજીરોટીની તકો ઊભી કરવાનો છે. પણ ઘરની મહિલા કામ માટે બહાર જાય તો ઘરની સંભાળ કોણ લે એ અત્યંત મહત્ત્વની વાતને પ્રાધાન્ય આપી લિજ્જતની કંપનીએ લાજવાબ અને સરાહનીય વ્યવસ્થા ઊભી કરી છે.
વાત મુંબઈની જ કરીએ તો લિજ્જતમાં કામ કરતી મહિલાઓ માટે સવારમાં કંપનીની બસ લેવા માટે આવે છે. ફૅક્ટરીએ જઈને મહિલા કર્મચારી પાપડ માટે બાંધેલો તૈયાર લોટ જોખીને ઘરે લઈ જાય છે. કંપનીની જ બસ દ્વારા એ ઘરે જાય છે અને પોતાના ફ્રી સમયમાં ઘરે જ પાપડ વણે છે. બીજે દિવસે એ પાપડ કંપનીમાં જમા કરાવી, બદલામાં ટોકન મેળવી પેમેન્ટના કાઉન્ટર પર એ ટોકન જમા કરાવે છે અને કરેલા કામનું ઇન્સ્ટન્ટ પેમેન્ટ મેળવે છે.
ફરી પાછી પાપડનો લોટ લઈ ઘરે પહોંચે છે. લિજ્જત પાપડ મશીનથી નહીં, હાથથી જ બનાવવામાં આવે છે. સ્વચ્છતા બાબતે લિજ્જતને કોઈ બાંધછોડ, કોઈ સમાધાન માન્ય નથી. ભારતભરની દરેક શાખાની ઉપર એક ખાસ મહિલા ટીમ મોજૂદ હોય છે. એ ગમે ત્યારે કોઈ પણ કર્મચારીના ઘરે ઓચિંતી પહોંચી જાય છે અને તેમનાં આંગળાં સુધ્ધાં ચેક કરી લે છે.
ફૅક્ટરી પર પણ કાચા માલની લેવડદેવડ વખતે પણ આવું ચેકિંગ કરવામાં આવે છે. કંપનીમાં એક સુંદર નિયમ પણ છે કે અહીં કર્મચારીઓએ જે વાતો કરવી હોય તે મોટેથી જ કરવાની. કાનાફૂંસીથી નહીં. આના કારણે ત્યાં કોઈ ગોસીપ કે ઝઘડા થતા નથી.લિજ્જતના મિલેનિયમ માર્કેટ ધરાવતા કારોબારની માલિકી કોઈ એક ચોક્કસ વ્યક્તિની નથી પરંતુ તેમાં કામ કરતી દરેક મહિલાઓની છે.
મુંબઈના મુખ્ય હેડકવાર્ટરમાં ૨૧ મહિલાઓની કમિટી છે. જે સૌહાર્દપૂર્ણ વાતાવરણથી બધો જ કારોબાર સંભાળે છે. ખૂબી તો એ છે કે તેઓ કોઈ હાઇપ્રોફાઇલ બૅકગ્રાઉન્ડમાંથી આવતી હોય તેવું નથી. બલ્કે, લિજ્જતમાં જેણે વર્ષોથી કામ કર્યું હોય, સ્વાનુભવથી જેમની સૂઝબૂઝ કંઈક વધારે હોય તેવી જ મહિલાઓ અહીં ઉચ્ચ હોદ્દા પામી છે ! એ ભણેલી ન પણ હોય. પોતાના કૌવત અને કૌશલ્યથી અમુક મહિલાઓ કંપનીના પ્રેસિડેન્ટ કે વાઇસ-પ્રેસિડેન્ટના હોદ્દા સુધી પણ પહોંચી છે. માત્ર બે ચોપડી ભણેલાં જસવંતીબહેનનું મૅનેજમેન્ટ એટલું તો પાવરફુલ છે કે એ સ્મ્છના વિદ્યાર્થીઓને ભણાવી શકાય.
સંસ્થાના નિયમ મુજબ એક ઘરમાંથી એક જ બહેન સભ્ય બની શકે છે. સભ્ય બહેનોને કોઈ પગાર નથી, પરંતુ તમામ બહેનો સંસ્થામાંભાગીદાર છે એટલે સૌને સરખે ભાગે નફો મળી રહે છે. બાકી પરોક્ષ રીતે આ સંસ્થાની પ્રોડક્ટ સાથે લગભગ ૧,૫૦,૦૦૦ બહેનો જોડાયેલી છે, કેમ કે એક ઘરમાં ચાર કર્મચારી મહિલાઓ હોય તોપણ સભ્ય એકજ છે. સંસ્થાનાં પ્રમુખ શ્રીમતી સ્વાતિબહેન પરાડકર છેલ્લા બાર વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. ભૂતકાળમાં પાપડ વણાઈ કરી તે ઉપરાંત સંસ્થાનાં અનેક ઉત્પાદનોનો અનુભવ લીધા પછી સ્વાતિબહેન પોતાની ક્ષમતાઅને અનુભવ સાથે પ્રમુખપદ સુધી પહોંચ્યાં છે.
જસવંતીબહેન મૂળે પાક્કાં ગુજરાતી પણ જન્મ મહારાષ્ટ્રના ખપોલી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાં ઉછેર. પણ સપનાંઓ બાળપણથી જ અસામાન્ય. નાની ઉંમરે લગ્ન થતાં એ સપનાં રસોઈન ચૂલામાં ભસ્મ થઈ ગયાં પણ થોડાં વર્ષો બાદ ફિનિક્સની જેમ ફરી બેઠાં થયાં. અને આજે આપણી સામે એ સપનાં વટવૃક્ષની જેમ વટ્ટથી હિલ્લોળા લે છે.
લિજ્જત પાપડને ૨૦૦૨માં ઇકાનામિક ટાઇમ્સનો બિઝનેસ વુમન આૅફ ધ યર ઍવાર્ડ, ૨૦૦૩માં દેશનું સર્વોત્તમ કુટિર ઉદ્યોગ સન્માન, ૨૦૦૫માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે બ્રાંડ ઇક્વિટી ઍવાર્ડ જેવાં સન્માન પણ મળી ચૂક્યાં છે. ડાઈનિંગ-ટેબલ પર સૌ કોઈ બોલી ઊઠે છે ‘લિજ્જત પાપડ હો હ૨ બાર‘
ફળો આવતાં વૃક્ષ વધુ નમે છે તેમ પદ્મશ્રી સન્માનથી ખૂબ નામ અને દામ મળ્યાં હોવા છતાં જસવંતીબહેન સહજ અને સરળ રહ્યાં.
તેમના ચહેરા ૫૨ કર્મયોગનું અદ્ભુત ઓજસ છે. તેઓ ચંપલ નથી પહેરતાં કેમ કે એમને જમીન સાથે જોડાયેલું રહેવું ગમે છે. એ બિનજરૂરી ખર્ચ પણ નથી કરતાં. અરજન્ટ ન હોય તો ટ્રેનમાંજ મુસાફરી કરે છે. દરેક કર્મચારી સાથે જસવંતીબહેન લાગણીથી જોડાયેલાં છે. એમના દરેક પ્રસંગે સાથે ઊભાં હોય છે. નાની ઉંમરે વિધવા બન્યાં છતાં એમણે રિવાજ પ્રમાણે ખૂણો પકડવાને બદલે ચાર દિશાઓને આંખમાં આંજી હતી.
નવી શાખા ખોલે ત્યારે પોતે જાતે જઈ ત્રણ મહિના સાથે રહી બહેનોને ટ્રેનિંગ આપે છે.આટલી નિષ્ઠા હોય તો જ બ્રાંડ નેમનું બેન્ડ ગાજતું થાય છે. લિજ્જતથી જ એમના જીવનમાં લિજ્જત આવી છે. ઘરબેઠાં રોજીરોટી આપતા લિજ્જતની આ લાજવાબ સફર ખરેખર, મહિલા સશક્તીકરણનું ઉત્તમ દૃષ્ટાંત છે. જસવંતીબહેન અંતરથી આનંદિત થઈ ઉઠી કહે છેઃ મહિલાઓને ખુદ પોતાની શક્તિ બનતી જોઈને મને થાય છે કે મારું જીવન ધન્ય થઈ ગયું. મહેસૂસ કરું છું કે મારા દરેક પ્રયત્નોનું ફળ ઈશ્વરે મને આપી દીધું.”