અમુક સ્કૂલોએ વિદ્યાર્થીઓને ફરજિયાત આવવા દબાણ કર્યું!
અમદાવાદ: રાજ્યમાં ધોરણ ૧૦થી૧૨ના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે. જાે કે, હજી માંડ ૫૦ ટકા વિદ્યાર્થીઓ જ સ્કૂલમાં જઈને અભ્યાસ કરે છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. એવામાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત આવવાનો આગ્રહ રાખી રહી છે. અમુક સ્કૂલોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી આપવાનું જણાવતા આગામી દિવસોમાં આ મુદ્દે વિવાદ વધી શકે છે.
નિયમ પ્રમાણે, જે વાલીઓ સંમતિ આપે તેમના બાળકોને જ સ્કૂલમાં અભ્યાસ માટે બોલાવાના હોય છે. તેમ છતાં વિદ્યાર્થીઓએ શાળા સમક્ષ રજૂઆત કરી કે, વાલી સંમતિ આપતા નથી માટે ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખે. પરંતુ શાળા સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન માટે સ્પષ્ટ ના પાડી દીધી.
રાજ્યનાં કોરોનાના કહેરને પગલે માર્ચ ૨૦૨૦થી સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. દિવાળી બાદ રાજ્યમાં સ્કૂલો ખુલશે તેવી જાહેરાત થઈ હતી.
પરંતુ કોરોનાના કેસ વધતાં વિચાર મુલતવી રખાયો હતો. છેવટે ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરાઈ હતી. આ બંને ધોરણના વર્ગો શરૂ થયાના ત્રણ અઠવાડિયા બાદ ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરાયા છે.
શાળા શરૂ કરવા માટે સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ, સ્કૂલોએ વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવાના રહેશે નહીં.
જે વાલી સંમતિ આપે તેમના જ બાળકો સ્કૂલે આવશે અને જેમને સંમતિ ના મળે તેવા વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરશે. રાજ્યમાં સ્કૂલો શરૂ થયાના ત્રણ અઠવાડિયા થયા છતાં માંડ ૫૦ ટકા હાજરી જાેવા મળે છે. પરિણામે અડધા વિદ્યાર્થીઓ માટે સ્કૂલોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું પડ્યું છે.
સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે, આ સ્થિતિમાં કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળામાં આવીને ભણવાનું દબાણ કર્યું છે. વાલીઓની સંમતિ ના હોવા છતાં સ્કૂલમાં આવીને અભ્યાસ કરવો પડશે તેવી સૂચના મળતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. નિયમ પ્રમાણે, શાળા વિદ્યાર્થીને સ્કૂલે આવવા માટે ફરજ પાડી શકે નહીં.
તેમ છતાં કેટલીક શાળા આમ કરી રહી છે. હવે સ્કૂલો ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું શિક્ષણ આપીને કંટાળી હોય તેવું લાગે છે. માટે જ આ રીતે વિદ્યાર્થીઓને ફરજિયાત આવવા દબાણ કરે છે. જાે શાળા વિદ્યાર્થીઓને આ રીતે ફરજ પાડશે તો વિવાદ વકરી શકે છે.