ગરબાડાનાં નીમચ નજીક ઘાટીમાં મધ્યપ્રદેશના વેપારી પર બે રાઉન્ડ ફાયર
(તસ્વીર – મઝહરઅલી મકરાણી, દે.બારીઆ) દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામ નજીક ઘાટી પાસેથી પસાર થઈ રહેલા મધ્યપ્રદેશના રાણાપુર ગામના અનાજના એક વેપારી પર આવેલ અજાણ્યા બે ઈસમો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયાનું જાણવા મળેલ છે.
જાણવા મળ્યા મુજબ આજ રોજ સવારના સુમારે મધ્ય પ્રદેશ જાબુઆ જીલ્લા રાણાપુર ગામના અનાજના વેપારી ૬૫ વર્ષીય માણેકલાલ ઉકારજી રાઠોડ તેમના ગામ રાણપુર થી અન્ય એક વ્યક્તિ સાથે તેમની મોટરસાઇકલ પર ગરબાડા તાલુકાની નિમચ ઘાટી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા.
તે વખતે પાછળ બાઈક ઉપર આવી રહેલા બે અજાણ્યા ઇસમો દ્વારા વેપારી માણેકલાલ પર પાછળથી ફાયરિંગ કરતા તેઓના પીઠની ભાગે ગોળી વાગી હતી. આ ફાયરીંગની ઘટનાની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પીએસઆઈ સહિત પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી હતી
અને ફાયરીંગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વેપારીને કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર પોલીસની ગાડી મારફતે ગરબાડા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં વેપારીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાની ગંભીરતાને ધ્યાને લઇ વધુ સારવાર અર્થે દાહોદની કે.કે શાહ સર્જીકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના વેપારી માણેકલાલ ઉકારજી રાઠોડ ઉપર આ કયા કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું તે હાલ જાણવા મળ્યું નથી. લૂંટનો કોઇ ઇરાદો ન હોઈ આપસી રંજીશને કારણે ફાયરીંગ કર્યાનું હાલ તો મનાઈ રહ્યું છે. ફાયરિંગનું સાચું કારણ જાણવામાં ગરબાડા પોલીસ જાેતરાઇ છે.*