સાસરામાં પત્નીને મરાય તેના માટે પતિ જવાબદાર : સુપ્રીમ
નવી દિલ્હી: પોતાની પત્નીને માર મારવાના કિસ્સામાં આરોપી વ્યક્તિને સુપ્રીમ કોર્ટે ધરપકડ પહેલા જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે સોમવારે કહ્યું કે જાે સાસરામાં મહિલાની પીટાઈ થાય છે તો તેની પીડા માટે મુખ્ય રુપે પતિ જવાબદાર છે, ભલે પીટાઈ તેના સગાએ કરી હોય. કોર્ટે જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી, તે વ્યક્તિના ત્રીજા લગ્ન હતા અને મહિલાના ત્રીજા લગ્ન હતા.
લગ્નના વર્ષ પછી ૨૦૧૮માં તેમને એક બાળક થયું. પાછલા વર્ષે જૂનમાં મહિલાએ લુધિયાણા પોલીસને પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે દહેજની માગણીઓ પૂરી ના કરી શકવાના કારણે પતિ, સાસરિયા અને સાસુ માર મારતા હતા.
જ્યારે પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન માટે વારંવાર દબાણ કર્યું તો મુખ્ય જજ એસએ બોબડેની આગેવાનીવાળી બેંચે કહ્યું, તમે કેવા પ્રકારના પુરુષ છો? તેમનો (પત્ની) આરોપ છે કે તમે ગળું દબાવીને તેમનો જીવ લેવાના હતા. તેમનું કહેવું છે કે જબરજસ્તી ગર્ભપાત કરાવાયો. તમે કેવા પ્રકારના પુરુષ છો જે પોતાની પત્નીને ક્રિકેટ બેટથી માર મારે છે? જ્યારે કુશાગ્ર મહાજને કહ્યું કે તેમના ક્લાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઈ કરી હતી
તો મુખ્ય જજના નેતૃત્વવાળી બેંચે કહ્યું, તેનાથી ફરક નથી પડતો કે તે તમે (પતિ) હતા કે પિતા જેમણે કથિત રીતે બેટથી માર માર્યો હતો. જ્યારે સાસરિયામાં મહિલાને યાતનાઓ આપવામાં આવે છે તો મુખ્ય રીતે જવાબદારી પતિની જ બને છે. કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ પતિને આગોતરા જામીન નહોતા આપ્યા. હાઈકોર્ટમાં મહિલાએ ફરિયાદ કરી હતી, જેમાં લખ્યું છે, ૧૨ જૂન ૨૦૨૦ની રાત્રે ૯ વાગ્યે, અરજદાર (પતિ) અને તેના પિતાએ ક્રિકેટના બેટથી ફરિયાદની (પત્ની)ને ખરાબ રીતે માર માર્યો હતો. અહીં અરજદારની મા પણ જાેડાયેલી હતી.
માર માર્યા બાદ પતિએ પત્નીનું ગળું દબાવીને તેની હત્યાની કોશિશ કરી હતી અને તેના સસરાએ જીવ લેવાના ઈરાદાથી પત્નીના ચહેરા પર તકીયો રાખ્યો હતો. અરજદારને રસ્તા પર ફેંકી દીધી હતી. આ વિશેની વિગત મળતા મહિલાના પિતા અને ભાઈએ પહોંચીને તેની સારવાર કરાવી અને સાથે મેડિકો લીગલ કરાવ્યું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે સાસરિયામાં તેને માર મારવાના કારણે અગાઉ બે વખત તેનો ગર્ભપાત થઈ ગયો હતો.
મેડિકલ રિપોર્ટ જાેયા બાદ હાઈકોર્ટે કહ્યું હતું, ફરિયાદની મેડિકો લીગલ રિપોર્ટ જણાવે છે કે તેને ૧૦ જગ્યાએ પર ઈજા થઈ હતી, જેમાંથી ૫ ચહેરા/માથા પર છે,
એક યોની અને ગરદન પાસે ઘાના નિશાન છે. મેડિકલ એક્સપર્ટ મુજબ ૧૦થી ૮ ઈજાઓ તેજ હથિયારથી કરાઈ છે. હાઈકોર્ટે પ્રી-એરેસ્ટ જામીનની અરજી ફગાવી દીધી હતી, પ્રથમદૃષ્ટીએ મેડિકલ રિપોર્ટના આધારે ફરિયાદી પર જીવલેણ હુમલો કરવાની કોશિશ આરોપીએ કરી હોવાની બાબતે બળ મળી રહ્યું છે.
દેશમાં ઘરેલું હિંસા અને વિવિધ માગણીઓના કારણે સ્ત્રીને ત્રાસ આપવામાં આવતો હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. આ પ્રકારની ઘટનાઓ સામે કડકમાં કડક પગલા ભરવાની માગણી કરવામાં આવે છે. આ કેસમાં પણ પુરુષ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાતના અમદાવાદમાં આયશા આરીફ ખાન આત્મહત્યા કેસમાં પણ દહેજ માટે દબાણ અને પતિના પર સ્ત્રી સાથેના સંબંધોનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આયશાએ આત્મહત્યા પહેલા લીધેલો વિડીયો, પોતાના પિતાને કરેલા ફોનનો ઓડિયો અને એક ચીઠ્ઠી સામે આવ્યા છે, જેના પરથી પ્રાથમિક ખ્યાલ આવે છે કે આયશા તેના પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હતી,
જેના કારણે તેણે અંતિમ પગલું ભરવા માટે મજબૂર બનવું પડ્યું. આ ઘટનામાં આરોપી આરીફને રાજસ્થાનથી પકડ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેના રિમાન્ડ દરમિયાન મહત્વના સવાલો પૂછવામાં આવ્યા. આ કેસની તપાસ બાદ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં આરોપીએ પત્ની આયશા પર કરેલા અત્યાચાર સામે આવશે. આ કેસમાં સોશિયલ મીડિયા પર આરીફને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી સમાજમાં દહેજ સહિતના સ્ત્રીઓને આપવામાં આવતા ત્રાસ પર અંકુશ લાવી શકાય.