રેશન કાર્ડ રદ કરવા મુદ્દે રાજ્યો-કેન્દ્ર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા ૩ કરોડ રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા હતા તે સાથે જાેડાયેલી એક અરજી પર સુનવણી થઇ હતી. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલાને અતિ ગંભીર ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ્ટ એસએ બોબડે, ન્યાયાધીશ એએસ બોપન્ના અને વી સુબ્રમણિયમનની ખંડપીઠે કહ્યું કે આ કેસને પ્રતિકૂળ ના ગણવામાં આવે કારણે તે ખૂબ ગંભીર છે. અરજી કરનાર કોઇલી દેવીના વકીલે કહ્યું કે આ કેસ સાથે ઘણા મહત્વના મુદ્દા સંકળાયેલા છે. કોર્ટે કહ્યું કે તે આ કેસની સુનવણી કોઇક બીજી દિવસે કરશે. સરકાર તરફથી પેશ થયેલા સોલિસિટર જનરલ અમન લેખીએ કહ્યું કે વકીલ દ્વારા ખોટું નિવેદન આપવામાં આવ્યું છે કે રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. જેના પર ખંડપીઠે કહ્યું કે અમે તમને આધાર કાર્ડના મુદ્દે જવાબ પવાનું કહ્યું છે. આ એક પ્રતિકૂળ અરજી નથી.
ઉલ્લેખનીય છે કે ૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અદાલત દ્વારા તમામ રાજ્યો પાસેથી પ્રતિક્રિયા માંગી હતી. આધાર કાર્ડ ના હોવાના કારણે રેશન મળવાનું બંધ થતા ભુખમરાના કારણે લોકોના મોત થયાના આરોપ પર કોર્ટ દ્વારા રાજ્યો પાસેથી પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે આધાર કાર્ડ ના હોવાના કારણે કોઇ વ્યક્તિને ભોજનથી વંચિત ના રાખી શકાય.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર ઝારખંડની કોઇલી દેવીની ૧૧ વર્ષીય દીકરી સંતોષીનું ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ભૂખમરાના કારણે મોત થયું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક અધિકારીઓએ તેમના પરિવારનું રેશન કાર્ડ રદ્દ કરી નાંખ્યું, કારણ કે તે આધાર સાથે લિંક નહોતું. ત્યારબાદ અમને રેશન મળતું બંધ થઇ ગયું છે.