રાજકોટમાં પતિના વિરહમાં પત્નીએ ગળાફાંસો ખાધો
રાજકોટ: રાજકોટ શહેરમાં પતિના વિરહમાં પત્ની પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પિતા બાદ માતાનું પણ મોત થતાં બે સંતાનો નોધારા બન્યા છે. રાજકોટ શહેરના શ્રધ્ધા પાર્કમાં આવેલી વંદના સોસાયટીમાં રહેતી કાંતાબેન નામની ૪૪ વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કાંતાબેનનાં પતિ અનિલભાઈનું ત્રણ માસ પૂર્વે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. ત્યારે પતિના મૃત્યુ બાદ વિરહની વેદના સહન ન થવાના કારણે વિધવા પત્ની કાંતાબેને પણ મોતને વહાલું કર્યું છે.
ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા બનાવવા અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કોઠારીયા સોલ્વન્ટ ના રવેચી નગર રિસામણે બેઠેલી પરણિતાએ જામનગર સ્થિત સાસરિયાઓએ પુત્ર સાથે ફોનમાં વાત નહીં કરવા દેતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
પરિણીતા ને ફીનાઇલ પીધા બાદ ઝેરી અસર થતાં તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને થતા આજીડેમ પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરનાર પૂજાબેન ના લગ્ન છ વર્ષ પૂર્વે જામનગરમાં રહેતા અક્ષય અગ્રાવત નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન પૂજા બેનને બે સંતાનો છે જેમાં એક સંતાનની ઉંમર ચાર વર્ષ છે
જ્યારે કે એક સંતાનની ઉંમર નવમાસ છે. પતિ અને સાસુના મેણા ટોણા ના કારણે પૂજાબેન અગ્રાવત છેલ્લા એક માસથી પોતાના માવતરના ઘરે રિસામણે બેઠા છે. ત્યારે મોટો પુત્ર જામનગરમા પતિ સાથે હોવાથી પૂજાબેન અગ્રાવત એ પુત્ર સાથે વાત કરવાની માંગ કરી હતી. પરંતુ સાસરિયાઓએ પુત્ર સાથે વાત નહીં કરવા દેતા તેમને લાગી આવ્યું હતું અને ત્યારબાદ તેમને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.