મોટેરા સ્થિત “વૃધ્ધાશ્રમ”ના ૧૦ જેટલા વૃધ્ધોએ સિવિલમાં કોરોનાની રસી લીધી
સિવિલ હોસ્પિટલ દ્વારા વૃધ્ધો માટે અટેન્ડેન્ટથી લઇ વ્હીલચેર સુધીની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે
રાજ્યભરમાં ૧ મી માર્ચથી વરિષ્ઠ અને કોમોર્બિડ નાગરિકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે. પ્રર્વતમાન સ્થિતિ જોતા કોરોના વાયરસ સામેની પ્રતિકાર સ્વરૂપ રસીકરણ જ એકમાત્ર ઇલાજ હોવાનું સાબિત થઇ રહ્યું છે.
સરકાર દ્વારા રાજ્યનો દરેક નાગરિક કોરોનાની રસીમેળવીને સુરક્ષિત બને તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોના રસીકરણ કેન્દ્રમાં મોટી સંખ્યામાં રસી લેવા વરિષ્ઠ નાગરિકો થી લઇ કોમોર્બિડ દર્દીઓ તેમજ ફ્રંટલાઇન કોરોના વોરીયર્સનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં અમદાવાદ શહેરના મોટેરા સ્થિત “વૃધ્ધાશ્રમ”માં રહેતા ૧૦ થી વધુ વૃધ્ધોએ એકજૂથ થઇ કોરોના રસીકરણ કરાવ્યું હતુ.
કેટલાક સંજોગોવસાત આ તમામ વૃધ્ધો વૃધ્ધાશ્રમમાં રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે ત્યારે તેમની આરોગ્યલક્ષી સેવાઓ-સુવિધાઓની જવાબદારી આ ખાનગી સેવાભાવી સંસ્થા દ્વારા સંભાળવામાં આવી રહી છે.
કોરોના જેવી સંવેદનશીલ મહામારીમાં આ વૃધ્ધોના સ્વાસ્થ્યની દરકાર કરીને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર સુધી લાવવાની સમગ્રતયા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં વૃધ્ધો માટે રસીકરણ થી લઇ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવા સુધીની સમગ્ર પ્રકિયા ખૂબ જ ઝડપી પૂર્ણ કરીને વૃધ્ધોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની તમામ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વૃધ્ધોરસીકરણ કેન્દ્રમાં પ્રવેશે ત્યારે તેમના માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને રસીકરણરૂમ સુધી લઇ જવા માટે એટેન્ડેન્ટની સેવા આપવામાં આવે છે. જે વૃધ્ધોને ચાલવામાં તકલીફ પડે તેઓને માટે વોકરઅનેવ્હીલચેરની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રાજ્યના ભિક્ષુકગૃહો, વૃધ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪૫ થી વધુ વયના કોમોર્બિડ અને અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યકિતઓના રસીકરણને વેગ મળે તે માટે આધાર કાર્ડના પુરાવા વગર પર રસીકરણ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના આ તલસ્પર્શી સંવેદનશીલ નિર્ણયના કારણે રાજ્યના આવા વરિષ્ઠ નાગરિકોને સધન રસીકરણની સુવિધા મળી રહેશે.