ચૂંટણી ભારે પડી-કોલકાતામાં ટેસ્ટ કરાવી રહેલી દરેક બીજી વ્યક્તિ સંક્રમિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Corona1-1024x576.jpg)
રાજ્યની અનેક ટેસ્ટિંગ લેબમાં પોઝિટિવિટી રેટ ૪૫-૫૦ ટકા, બંગાળ માટે આગામી સમય કપરો હોવાની ચિંતા
કલકત્તા, દેશમાં એક તરફ કોરોના સંક્રમણની બીજી લહેર કાળો કહેર વર્તાવી રહી છે ત્યાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પણ ચાલી રહ્યું છે. જાેકે હવે બંગાળમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બની ચૂકી હોવાનું સામે આવ્યું છે.
ચૂંટણી પ્રચાર અને રેલીઓમાં વર્તવામાં આવેલી બેદરકારી હવે લોકોને ભારે પડી રહી છે. પ્રચાર દરમિયાન રેલીઓ અને સભાઓમાં કોરોના નિયમોના પાલન ન કરનારા હવે સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
જેના પરિણામ સ્વરુપે બંગાળમાં રોજ સામે આવી રહેલા નવા કેસ આગળના દિવસોના રેકોર્ડ તોડી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં એટલી ગંભીર સ્થિતિ પેદા થઇ ચૂકી છે કે અહીં દરેક ચોથી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત મળી રહ્યો છે. અહીં આરટીપીસીઆર લેબના એક કર્મચારીના જણાવ્યા મુજબ કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં ટેસ્ટ કરી રહેલી લેબમાં પોઝિટિવિટીનું પ્રમાણ ૪૫થી ૫૫ ટકા સુધી પહોંચ્યુ છે. એટલે કે ટેસ્ટ કરાવી રહેલી દરેક બીજી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.
બંગાળના અન્ય શહેરોમાં પણ પોઝિટિવિટી રેટ ૨૪ ટકાની આસપાસ છે. જે એક મહિના પહેલા પાંચ ટકા હતો. પરંતુ ચૂંટણી પ્રચાર માટે રેલીઓ, સભાઓ અને મતદાનના અનેક તબક્કાઓ બાદ બંગાળમાં સ્થિતિ વકરી ચૂકી છે. અહીંના આરોગ્ય નિષ્ણાંતો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે બંગાળમાં આગામી સમય કપરો રહેશે અને કેસ કાબૂ બહાર હશે.
જાેકે તેમણે વધી રહેલા કેસ માટે કોરોના વાયરસના મ્યુટેન્ટ વાયરસને જવાબદાર ઠેરવ્યો હતો. જે ઓછા સમયમાં વધુ લોકોને સંક્રમણનો ભોગ બનાવે છે. બંગાળની અનેક કોરોના ટેસ્ટિંગ લેબનું પોઝિટિવિટી પ્રમાણ ૫૦ ટકા સુધી પહોંચ્યુ છે. હાલમાં બંગાળમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણી પંચે એહીં આઠ તબક્કાઓમાં ચૂંટણીની જાહેરાત કરી હતી.
જેમાં અત્યાર સુધી છ તબક્કા માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે જ્યારે ૩૪ સીટો માટે સાતમા તબક્કાનું મતદાન સોમવારે યોજાશે. દેશમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ બની ચૂકી છે એવામાં અત્યાર સુધી બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે રેલીઓ, સભાઓનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવી રહ્યું હતું.
જેમાં બંગાળની પ્રજા પણ જાેશથી ભાગ લઇ રહી હતી. પરંતુ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગત ગુરુવારે રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. બીજી તરફ રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલ્સના પાલન પર લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે.