Western Times News

Gujarati News

રવીન્દ્ર જાડેજા વિરાટ સેના પર ભારે પડ્યો

ચેન્નઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૬૯ રને હરાવ્યું- જાડેજાએ ૬૨ રનની અણનમ ઈનિંગ્સ રમ્યા બાદ ઝડપી ત્રણ વિકેટ, ચેન્નઈના ૧૯૧ રન સામે બેંગલોરના ૧૨૨ રન

મુંબઈ, રવીન્દ્ર જાડેજાની તોફાની બેટિંગ અને વેધક બોલિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૬૯ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જાડેજાએ ઓલ-રાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૧ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં વિરાટ કોહલીની બેંગલોર ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૨ રન નોંધાવ્યા હતા. જાડેજાએ અણનમ ૬૨ રન ફટકારવા ઉપરાંત ત્રણ વિકેટ ઝડપી હતી.

ચેન્નઈના વિજયનો શ્રેય રવીન્દ્ર જાડેજાના ઓલ-રાઉન્ડ પ્રદર્શનને જાય છે. તે એકલો બેંગલોર ટીમને ભારે પડ્યો હતો. પહેલા તો તેણે પાંચ સિક્સર અને ચાર ચોગ્ગાની મદદથી ૨૮ બોલમાં ૬૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી ચેન્નઈ મોટો સ્કોર નોંધાવી શકી હતી. ત્યારબાદ બોલિંગમાં પણ તેણે સપાટો બોલાવી દીધો હતો.

સૌરાષ્ટ્રના સ્ટાર ઓલ-રાઉન્ડરે ૪ ઓવરમાં ૧૩ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત એક રન આઉટ પણ કર્યો હતો. ૧૯૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી બેંગલોરની શરૂઆત તો સારી રહી હતી પરંતુ ત્યારબાદ તેનો ધબડકો થયો હતો. બેંગલોરના સ્ટાર બેટ્‌સમેનો રવીન્દ્ર જાડેજા અને ઈમરાન તાહિરની સ્પિન બોલિંગ સામે ઘૂંટણીયે પડી ગયા હતા.

કેપ્ટન વિરાટ કોહલી ૮ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે વોશિંગ્ટન સુંદર ૭ રન નોંધાવી શક્યો હતો. ટીમ માટે દેવદત્ત પડિક્કલે સૌથી વધુ ૩૪ રન નોંધાવ્યા હતા. તેણે ૧૫ બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.

એબી ડી વિલિયર્સે ચાર, ડેનિયલ ક્રિશ્ચિયને એક, કાયલે જેમિસને ૧૬ તથા મોહમ્મદ સિરાજે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે જાડેજાએ ત્રણ અને તાહિરે બે વિકેટ ઝડપી હતી. જ્યારે સેમ કરન અને શાર્દૂલ ઠાકુરને એક-એક સફળતા મળી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જાેડીએ ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. આ જાેડીએ પ્રથમ વિકેટ માટે ૯.૧ ઓવરમાં ૭૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જાેકે, આ જાેડી વધારે જાેખમી બને તે પહેલા યુઝવેન્દ્ર ચહલે ગાયકવાડને આઉટ કર્યો હતો. ગાયકવાડે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૩ રન નોંધાવ્યા હતા.

જ્યારે ડુપ્લેસિસે ૪૧ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૫૦ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સુરેશ રૈનાએ ૨૪ અને અંબાતી રાયડૂએ ૧૪ રનનું યોગદાન આપ્યું હતું. જાેકે, ચેન્નઈની ઈનિંગ્સમાં રવીન્દ્ર જાડેજાની બેટિંગ સૌથી મોટુ આકર્ષણ રહી હતી.

જાડેજાએ બેંગલોરના બોલર્સની ધોલાઈ કરી હતી અને ટીમની રન ગતિ અત્યંત ઝડપથી વધારી હતી. જાડેજાએ અંતિમ ઓવર્સમાં તોફાની બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને ૧૯૧ રન સુધી પહોંચાડ્યો હતો. જાડેજાએ ૨૮ બોલમાં અણનમ ૬૨ રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. જ્યારે ધોની બે રને નોટઆઉટ રહ્યો હતો. બેંગલોર માટે હર્ષલ પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે ચહલને એક સફળતા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.