Western Times News

Gujarati News

સ્વસ્થ વ્યક્તિને બીજા રાજ્યમાં જવા RT-PCR ટેસ્ટની જરૂર નથી

Files Photo

નવી દિલ્હી: હાલ મોટાભાગના રાજ્યોએ બહારથી આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જેમના રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. જાેકે, ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ પોતાની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે સ્વસ્થ વ્યક્તિએ બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરુર નથી. લેબોરેટરીઓ પરનો લોડ ઘટાડવા માટે આગામી સમયમાં આ નિયમને પડતો મૂકવા રાજ્યોને કહેવાય તેવી પણ શક્યતા છે.

આરટી-પીસીઆર ટેસ્ટ અંગેની એડવાઈઝરીમાં આઈસીએમઆરએ સ્પષ્ટ કર્યું છે કે, જે વ્યક્તિનો આરએટી કે આરટી-પીસીઆર એકવાર પોઝિટિવ આવે, તેને ફરી ટેસ્ટ કરાવવાની જરુર નથી. આ ઉપરાંત, કોરોનામાંથી સાજા થઈ ગયેલા દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા પહેલા પણ આરટી-પીસીઆર કરવાની જરુર નથી. એડવાઈઝરીમાં એમ પણ જણાવાયું છે કે તાવ આવતો હોય કે પછી કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોય તેવા લોકોએ જરુરી ના હોય તેવા પ્રવાસ કે પછી ઈન્ટરસ્ટેટ ટ્રાવેલ કરવાનું ટાળવું જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના રાજ્યોના નિયમો અનુસાર, બહારના રાજ્યમાંથી આવનારાએ એરપોર્ટ, રેલવે સ્ટેશન કે પછી રાજ્યની બોર્ડર પર આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. હાલ ગુજરાત સહિતના ઉંચી સંખ્યામાં ડેઈલી કેસ ધરાવતા રાજ્યોમાં સ્થિતિ એવી છે કે આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ લોકોએ રિપોર્ટ માટે બે-ત્રણ દિવસ સુધી રાહ જાેવી પડે છે. ઘણી જગ્યાએ તો કોરોનાના લક્ષણ ના હોય તેવા દર્દીને માત્ર રાજ્ય બહાર જવા માટે ટેસ્ટ પણ નથી કરી અપાતા.

એડવાઈઝરીમાં એમ પણ જણાવાયું છે કે મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી હવે જીએમ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, અને રાજ્યોએ મોબાઈલ સિસ્ટમથી થતાં ટેસ્ટની સંખ્યા વધારે. વળી, ટેસ્ટની વધતી જતી ડિમાન્ડને પહોંચી વળવા માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યા વધારાય તેમ પણ તેમાં જણાવાયું છે.

ટેસ્ટિંગ અંગેની વિગતવાર એડવાઈઝરીની જરુર હોવાનું કારણ આપતા આઈસીએમઆરએ જણાવ્યું હતું કે, હાલ આખા દેશમાં કોરોનાના કેસ ઉપરાંત મૃત્યુનો આંકડો ખૂબ ઉંચો છે. દેશનો સરેરાશ પોઝિટિવિટી રેટ ૨૦ ટકા જેટલો છે. તેવામાં વાયરસના વ્યાપને કાબૂમાં લેવા માટે ટેસ્ટિંગ-ટ્રેકિંગ-ટ્રેસિંગ ઉપરાંત આઈસોલેશન અને પોઝિટિવ દર્દીને ઘરે જ સારવાર આપવા જેવી બાબતો ખૂબ જ મહત્વની છે. હાલ દેશમાં ૨૫૦૬ જેટલી લેબમાં આરટીપીસીઆર સહિતના ટેસ્ટ થઈ શકે છે. હાલનું લેબ નેટવર્ક ત્રણ શિફ્ટમાં કામ કરીને રોજના ૧૫ લાખ ટેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.