ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૨૨૪ નવા કેસ નોંધાયા
કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૯૫.૮૦% થયો, એક્ટિવ કેસ પણ હવે ૯ લાખથી ઓછા થઈ ગયા છે
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો કહેર દેશમાં ઓછો થઈ રહ્યો છે. ભારતમાં કોવિડ રિકવરી રેટમાં સુધારો થતાં હવે તે ૯૫.૮૦ ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસો પણ ૯ લાખથી ઓછા થતાં આંશિક રાહત મળી છે. આ ઉપરાંત રોજનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫ ટકાથી નીચે આવી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવાર ૧૬ જૂને જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨,૨૨૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૫૪૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૬,૩૩,૧૦૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૬,૧૯,૭૨,૦૧૪ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૦૦,૪૫૮ લોકોને વેક્સીન આપવામાં આવી છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૩ લાખ ૮૮ હજાર ૧૦૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૦૭,૬૨૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૮,૬૫,૪૩૨ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૭૯,૫૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૫ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૩૩,૦૬,૯૭૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૩૦,૯૮૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૫૨ કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૦૬ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૦૭ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૬૨ ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૮૮૮૪ થઈ ગઈ છે જ્યારે વેન્ટિલેટર પર ફક્ત ૨૧૯ દર્દીઓ છે. હાલ રાજ્યમાં કુલ ૮૬૬૫ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૮,૦૨, ૧૮૭ દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત જઈ આવ્યા છે. રાજ્યમાં ૧૦૦૦૭ દર્દીઓએ સરકારી ચોપડે કોરોનામાં જીવ ગુમાવ્યા છે.