ચાર દિવસથી દિલ્હીમાં ધામા નાંખીને પડેલા પાયલોટને પ્રિયંકા ગાંધી મળ્યાં નહીં
નવીદિલ્હી: રાજસ્થાનમાં અશોક ગેહલોત વર્સીસ સચિન પાયલોટના જંગમાં નવો ટિ્વસ્ટ આવ્યો છે. એક તરફ અશોક ગેહલોત કોરોના પછીની તકલીફોના કારણે આરામ પર જતા રહ્યા છે. ગેહલોતે સ્પષ્ટ કહ્યું છે કે, ડોક્ટરે તેમને એક-બે મહિના સુધી કોઈને પણ મળવાની ના પાડી છે. ગેહલોતની વાતનો સ્પષ્ટ અર્થ એ થાય કે, હવે બે મહિના લગી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય કે સંગઠનમાં ફેરફાર નહીં થાય ને પાયલોટ લટકેલા જ રહેશે.
બીજી તરફ છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં ધામા નાંખીને પડેલા સચિન પાયલોટને પ્રિયંકા ગાંધી મળ્યાં સુધ્ધાં નહીં. પ્રિયંકા દ્વારા પાયલોટને એવું કહેવડાવી દેવાયું કે, પોતે શિમલા હોવાથી નહીં મળી શકે. પ્રિયંકાની સૂચના પછી પાયલોટ વિલા મોંઢે જયપુર પાછા આવી ગયા.
કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, ગેહલોતે નહેરૂ-ગાંધી ખાનદાન સાથેની નિકટતાના જાેરે પાયલોટને પોતાનો પાવર બતાવ્યો છે. પાયલોટને યોગ્ય હોદ્દો આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. ગેહલોત તૈયાર થાય તેની રાહ જાેવાઈ રહી હતી પણ ગેહલોતે પ્રિયંકાને પાયલોટને મળવા જ ના દીધાં.