Western Times News

Gujarati News

વર્લ્ડ બેંકની ચીમકી બાદ મ્યુનિ. હોદ્દેદારો દોડતા થયા

રૂા.૩ હજાર કરોડની લોન માટે નવેમ્બર-ર૧ સુધીમાં વર્ક ઓર્ડર આપવા સુધીની કાર્યવાહી પુર્ણ કરવા વર્લ્ડ બેંકની તાકિદ : મનપા નિષ્ફળ જાય તો અન્ય રાજયને લોન ફાળવી દેવા વર્લ્ડ બેંકની તૈયારી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: એશિયાની સૌથી મોટી ભૂગર્ભ ક્ચરાપેટી માનવામાં આવતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વિશ્વ બેંકે રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવા તૈયારી દર્શાવી છે. પરંતુ સ્માર્ટ સીટીના શાસકોની ખોટી જીદના કારણે રૂા.૩ હજાર કરોડની લોન બીજા રાજયમાં જાય તેવા સંજાેગો ઉપસ્થિત થયા છે. વિશ્વ બેંકે નવેમ્બર-ર૦ર૧ની ડેડલાઈન આપી છે જેના કારણે મ્યુનિ. હોદ્દેદારો અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

અમદાવાદ શહેરની ડ્રેનેજ સીસ્ટમ અપગ્રેડ કરવા માટે વર્લ્‌ડ બેંક દ્વારા રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવી રહી છે. પરંતુ ડીપીઆર રજૂ કરતા પહેલા ડ્રેનેજ માસ્ટર પ્લાન રજૂ કરવા માટે વર્લ્ડ બેંકના અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન પાસે હાલ પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માસ્ટર (ડેવલપમેન્ટ) પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે કોઈ જ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમના ડેવલપમેન્ટ તૈયાર કરવા માટે કન્સલન્ટો પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેની દરખાસ્ત બે- બે વખત સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવી હતી પરંતુ રાજકીય કે કોઈ અન્ય દબાણવશ સદર દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી જેના કારણે વર્લ્ડ બેંકની લોન સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. વિશ્વ બેંકના અધિકારીઓ અને મ્યુનિ. હોદ્દેદારો- અધિકારીઓ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી લોન અંગે ઓનલાઈન ચર્ચા ચાલી રહી છે જેમાં વર્લ્ડ બેંક દ્વારા નવેમ્બર અંત સુધીમાં વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પુર્ણ કરવા મનપાને તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત જાે તેમાં વિલંબ થશે તો રૂા.૩ હજાર કરોડની લોન અન્ય રાજય આપવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ૧૯૯૯ની સાલમાં ડ્રેનેજ માટે ૨૦૨૧ સુધીનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે કોઈ જ ડીપીઆર તૈયાર કે સબમીટ ન કરવા માટે વર્લ્‌ડ બેંક દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. તેથી મ્યુનિ.ઈજનેર વિભાગે ૨૦૫૦ સુધીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરનો માસ્ટર પ્લાન તૈયારીઓ શરૂ કરી છે. જેના માટે કન્સલટન્ટની નિમણૂંક કરવા માટે ફરીથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યા મુજબ જાે જુલાઈ મહિનામાં કન્સલન્ટની નિમણુંક કરવામાં આવે તો પણ નવનિયુક્ત કન્સલન્ટને ડીઝાઈન અને ટેન્ડર પ્રક્રિયા કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય થઈ શકે છે. આ સંજાેગોમાં નવેમ્બર અંત સુધીમાં કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પુર્ણ કરવામાં વિલંબ થાય તેવી શક્યતા જાેવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન તરફથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા બાદ પણ આ સમગ્ર પ્રક્રિયામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેથી સ્માર્ટસીટીની સુઅરેજ સીસ્ટમ અપગ્રેડ કરવા તેમજ ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના કામ ૨૦૨૩ પહેલા શરૂ થાય તેવી શક્યતા ઓછી છે. તેમ છતાં વર્લ્ડ બેંકે લોનની રકમના ૩૦ ટકા લેખે રૂા.૯૦૦ કરોડ આપવા તૈયારી દર્શાવી છે. જયારે મ્યુનિ. કમિશ્નરે રૂા.૧૦પ૦ કરોડના કામ માટે જાહેરાત કરી હતી સદર રકમ એસટીપી અપગ્રેડેશન અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જ ખર્ચ કરવાની રહેશે. વર્લ્‌ડ બેંકની શરતને ધ્યાનમાં રાખી મ્યુનિ.ઈજનેર વિભાગ દ્વારા લોનના ૩૦ ટકા લેખે ફેઝ-૧માં કરવાના થતા કામોની યાદી તૈયાર કરવામાં આવી છે.

મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ ફેઝ-૧ના કામ માટે રૂા.૯૦૦ કરોડના બદલે રૂા.૧૬૦૦ કરોડના કામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તે પૈકી રૂા.૧૦પ૦ કરોડના કામ નક્કી કરવામાં આવશે. ફેઝ-૧ના કામમાં વાસણા ૧૨૫ એમ.એલ.ડી.વાસણા ૨૪૦ એમએલડી તથા પીરાણા ૧૮૦ એમએલડી ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવામાં આવશે.
જેના માટે રૂા.૪૧૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે કોટેશ્વરમાં ૬૦ એમએલડી અને વિંઝોલમાં ૭૫ એમએલડીના નવા એસટીપી બનાવવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. નવા બે એસટીપી બનાવવા માટે રૂા.૨૦૦ કરોડનો ખર્ચ થઇ શકે છે.

ઈન્ડસ્ટ્રીયલ સુઅરેજના રીયુઝ માટે રૂા.૪૭૦ કરોડના ખર્ચથી નવા ત્રણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાના કામનો પણ ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવી શકે છે. તદુપરાંત રૂા.૨૧૫ કરોડના ખર્ચથી બે સ્થળે માઈક્રો ટનલ પ્રોજેક્ટ શરૂ થઈ શકે તેના માટે પણ વર્લ્‌ડ બેંકના અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. શહેરના પૂર્વ પટ્ટામાં નારોલથી નરોડા સુધી તેમજ રાયપુર ભૂતની આંબલીથી જમાલપુર સુધી માઈક્રો ટનલના કામ માટે વર્લ્‌ડ બેંકની લીલીઝંડી બાદ ડીપીઆર તૈયાર કરવામાં આવશે. વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથેની મીટીંગ દરમિયાન શાસક પક્ષ તરફથી કેટલાક સુચનો કરવામાં આવ્યા હતા

જેમાં દર અડધા કિ.મી.એ ગેસ નિકાલ માટે એર પાઈપ નાંખવા માટે ચર્ચા થઈ હતી જાે આ રીતે પાઈપ નાંખવામાં આવે તો ભુવા પડવાની શક્યતા ઘટી શકે છે. તદઉપરાંત સુઅરેજ વોટરમાંથી હાઈડ્રોજન સલફાઈડ ગેસ ઉત્પન્ન થાય છે જેમાંથી વીજળી ઉત્પન કરવા માટે પણ વિચારણા થઈ છે. શહેરમાં હાલ ર૬૦૦ કિ.મી. નેટવર્ક છે જેમાં ૧૦૦ ટકા વિસ્તારને ડ્રેનેજ લાઈન આપવી તેમજ ટ્રીટેડ વોટરના રી યુઝ માટે પણ વિચારણા થઈ શકે છે.વર્લ્ડ બેંક હયાત એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવા તેમજ નવા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ટૂંક સમયમાં જ લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કન્સલટન્ટની નિમણૂંક થયા બાદ સુઅરેજ અને સ્ટ્રોમ વોટર માટે આગામી ત્રીસ વર્ષ સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. જેમાં હયાત ડ્રેનેજ લાઈનોના રીહેબીલીટેશન પર ભાર મૂકવામાં આવશે. ફેઝ-૧માં રૂા.૨૯૦ કરોડના ખર્ચથી ૨૭ સ્થળે હયાત લાઈનોને રીબેબીલીટેશન કરવાના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ કન્સલટન્ટ દ્વારા જ ડીપીઆર તૈયાર કરવાની શરત વર્લ્‌ડ બેંક દ્વારા રાખવામાં આવી છે. તેથી કન્સલટન્ટની નિમણૂંક બાદ જ આ દિશામાં નક્કર કાર્યવાહી થશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.