નોઇડા પોલીસે મહિલા ગેંગસ્ટરની કરોડોની પ્રોપર્ટી જપ્ત કરી

નોઇડા: નોએડા પોલીસે મહિલા ગેંગસ્ટરની કરોડોની પ્રોપર્ટી એટેચ કરી લીધી હતી. તે સિવાય સુંદર ભાટી જૂથના સક્રિય સદસ્ય નવીન ભાટીની પ્રોપર્ટી પર પણ પોલીસની એક્શન જાેવા મળી હતી. જાણવા મળ્યા મુજબ પોલીસે સંપૂર્ણ તૈયારી બાદ માફિયાઓ વિરૂદ્ધની આ એક્શનને અંજામ આપ્યો હતો.
નવીન ભાટીની વાત કરીએ તો પોલીસે તેની આશરે ૧ કરોડ ૯૦ લાખ રૂપિયાની પ્રોપર્ટી એટેચ કરી લીધી છે. તેણે પોતાના નામે અનેક ફ્લેટ રાખ્યા હતા પરંતુ ગુરૂવારની પોલીસ કાર્યવાહીમાં તેની તમામ કાળી કમાણી એટેચ કરી લેવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ નવીન ભાટી સુંદર ભાટી જૂથનો સક્રિય સદસ્ય છે અને પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી છે.
પોલીસે ગેંગસ્ટર પતિ-પત્ની વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી હતી. હાઈપર સુપરમાર્ટના નામથી ફ્રેન્ચાઈઝી આપવાના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરનારા ઓમપ્રકાશ અને તેની પત્ની સીમા દેવી વિરૂદ્ધ પોલીસે તગડી એક્શન લીધી હતી અને તેમની ૩ કરોડ ૫૦ લાખ રૂપિયાની પ્રોપર્ટી એટેચ કરી લીધી હતી. આરોપ પ્રમાણે આ પતિ-પત્ની પહેલા ખોટી રીતે નફો કમાયા હતા અને બાદમાં તેના વડે અનેક ફ્લેટ ખરીદ્યા હતા.
પોલીસની કાર્યવાહીમાં રણદીપ ભાટી જૂથના સક્રિય સદસ્ય બબલી નાગરની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ બબલી પહેલા ખોટી રીતે પૈસા કમાયો હતો અને બાદમાં તેણે પત્ની રેખાના નામે પોતાની સંપત્તિ કરી દીધી હતી. બાદમાં તે સંપત્તિ વડે ૨ મોટા પ્લોટ ખરીદવામાં આવ્યા હતા. જાેકે હવે પોલીસે તે પ્રોપર્ટી એટેચ કરી લીધી છે. પોલીસ કમિશનર આલોક સિંહના કહેવા પ્રમાણે ગેંગસ્ટર અને માફિયાઓ વિરૂદ્ધનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે માટે આગામી દિવસમાં પોલીસની આ પ્રકારની અનેક કાર્યવાહી જાેવા મળશે.