મહારાષ્ટ્રમાં પ લેવલના અનલોક પ્લાનમાં ફેરફાર કરવા ર્નિણય

Files Photo
મુંબઈ: કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં મહારાષ્ટ્ર સરકારે પાંચ લેવલના અનલોક પ્લાનમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે પાંચના બદલે ત્રણ લેવલમાં નિયંત્રણોમાં છૂટછાટ આપવામાં આવશે. હાલની સ્થિતિમાં લેવલ-૧ અને ૨માં આવતા જિલ્લામાં કોઈ પ્રકારના નિયંત્રણો મૂકવામાં નથી આવ્યા. જાેકે, અત્યારે આ કેટેગરીમાં જેટલા પણ જિલ્લા છે તે તમામને લેવલ ૩માં મૂકી દેવાયા છે.
લેવલ ૩માં મોલ્સ, થિયેટર્સને બંધ રખાય છે અને રેસ્ટોરાં સાંજે ચાર વાગ્યા સુધી જ ખૂલ્લા રહી શકે છે. ત્યારબાદ તેઓ માત્ર હોમ ડિલિવરી જ આપી શકે છે. રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ નવા નિયંત્રણો લાગુ કરવાનો કોઈ સવાલ જ નથી તેવું નિવેદન આપ્યું હોવા છતાં સરકાર દ્વારા આ ર્નિણય લેવાયો છે.
મુંબઈમાં પણ કેટલાક નિયંત્રણો યથાવત રખાયા છે. જેના હેઠળ લોકલ ટ્રેનો ચાલુ તો રહેશે, પરંતુ તેમાં સામાન્ય લોકોને પ્રવાસ કરવા માટે હજુય રાહ જાેવી પડશે. હાલ માત્ર હેલ્થકેર અને જીવનજરુરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ લોકલમાં પ્રવાસ કરવાની અનુમતિ છે અને તેમને તેના માટે ખાસ પાસ અને આઈકાર્ડ આપવામાં આવ્યા છે.
કોઈપણ જિલ્લાને લેવલ-૩માંથી લેવલ ૧ કે ૨માં મૂકવા માટે બે સપ્તાહ સુધી કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લેવાશે. તેમાં પણ માત્ર આરટી-પીસીઆર ટેસ્ટને જ માન્ય ગણવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ જિલ્લા કલેક્ટરોને સલાહ આપી છે કે તેઓ ઉતાવળમાં નિયંત્રણો ઉઠાવવાને બદલે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીમાં લાગી જાય.
મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટર ટી.પી. લહાણેના જણાવ્યા અનુસાર, ત્રીજા વેવમાં કેસ લોડ ૪૦ લાખની મર્યાદાને ક્રોસ ના કરે તેવી શક્યતા છે. જાેકે, સરકારે ૫૦ લાખ જેટલા દર્દીઓને સારવાર આપવાના અંદાજ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જરુરી છે. પહેલા વેવમાં રાજ્યમાં ૧૯ લાખ કેસ નોંધાયા હતા. બીજી વેવમાં આ આંકડો ૪૦ લાખથી વધારે હતો. વાયરસના નવા વેરિયંટ્સ સતત આવી રહ્યા છે ત્યારે કેટલા કેસ હશે તેના ચોક્કસ આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સરકાર તૈયારી કરી રહી છે, પરંતુ ત્રીજી વેવ આવશે કે કેમ તે પણ કોઈ નથી જાણતું.