Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરમાં ૫૦ લાખથી વધુ કેસ નોંધાવા અંદાજ

Files Photo

મુંબઈ: દેશમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેર પણ ખતરનાક હશે તેવું સરકાર માની રહી છે. રાજ્ય સરકારના અંદાજ અનુસાર, ત્રીજી લહેરમાં ૫૦ લાખ જેટલા કેસ નોંધાઈ શકે છે. જેમાંથી ૨૫ લાખ દર્દીઓને સરકારી હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટર્સમાં સારવાર આપવી પડશે.

સંભવિત દર્દીઓના આંકડાને ધ્યાનમાં રાખીને સરકારે જરુરી દવાઓ અને કિટ્‌સનો પણ જંગી સ્ટોક કરવાનો પ્લાન બનાવવાનું શરુ કરી દીધું છે. સંભવિત ત્રીજી લહેર દરમિયાન મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસનો આંકડો આઠ લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે છે. જેમાંથી ચાર લાખ દર્દીઓ સરકારી હેલ્થ ફેસિલિટીમાં સારવાર લઈ રહ્યા હશે. કુલ ૫૦ લાખ કેસમાંથી ૫ લાખ બાળકો પણ હોવાની સંભાવના છે, જેમાંથી અઢી લાખને સરકારી હોસ્પિટલોમાં સારવાર આપી શકાય તેવી તૈયારી કરાઈ રહી છે. એવો પણ અંદાજ છે કે ત્રીજી લહેરમાં કોરોનાના ૮,૭૫૦ જેટલા બાળ દર્દીઓને પિડિયાટ્રિશિયનના સુપરવાઈઝન હેઠળ હોસ્પિટલમાં એડમિટ કરી સારવાર આપવી પડશે.

રાજ્યના હેલ્થ કમિશનર એન. રામાસ્વામીએ આ અંગે જણાવ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં આ આંકડા આપવામાં આવ્યા હતા. જાેકે, તે ફાઈનલ નથી અને બે-ત્રણ જેટલા પ્રોજેક્શનનો અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેને ફાઈનલ કરાશે. જે પ્રેઝન્ટેશન રજૂ કરાયું તે ટાસ્ક ફોર્સ દ્વારા અપાયેલા ઈનપુટ્‌સના આધારે કરાયેલા અનુમાન પર આધારિત છે, અને તેને ફાઈન-ટ્યૂન કરવામાં આવી રહ્યું છે.

મેડિકલ એજ્યુકેશન ડિરેક્ટર ટી.પી. લહાણેના જણાવ્યા અનુસાર, ત્રીજા વેવમાં કેસ લોડ ૪૦ લાખની મર્યાદાને ક્રોસ ના કરે તેવી શક્યતા છે. જાેકે, સરકારે ૫૦ લાખ જેટલા દર્દીઓને સારવાર આપવાના અંદાજ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જરુરી છે. પહેલા વેવમાં રાજ્યમાં ૧૯ લાખ કેસ નોંધાયા હતા. બીજી વેવમાં આ આંકડો ૪૦ લાખથી વધારે હતો. વાયરસના નવા વેરિયંટ્‌સ સતત આવી રહ્યા છે ત્યારે કેટલા કેસ હશે તેના ચોક્કસ આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. સરકાર તૈયારી કરી રહી છે, પરંતુ ત્રીજી વેવ આવશે કે કેમ તે પણ કોઈ નથી જાણતું.

રાજ્યના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે ત્રીજી વેવની તૈયારી માટે ૧,૬૭૬ કરોડ રુપિયાના ખર્ચની દરખાસ્ત મૂકી છે. જેમાંથી ૭૮૨ કરોડ જરુરી દવાઓ અને અન્ય સાધનો પાછળ ખર્ચવામાં આવશે, જ્યારે માઈલ્ડથી મોડરેટ ઈન્ફેક્શન ધરાવતા દર્દીઓની સારવાર માટે નવી દવા ખરીદવા માટે બીજા ૮૯૩ કરોડ રુપિયાનો ખર્ચ થાય તેવો અંદાજ છે.

પ્રેઝન્ટેશનમાં અપાયેલી વિગતો અનુસાર, જરુરી દવાઓ અને ટેસ્ટિંગ કિટની કોઈ તંગી ઉભી ના થાય તે વાતને ખાસ ધ્યાનમાં રખાઈ છે. પહેલી અને બીજી વેવમાં ૨૪ જૂન ૨૦૨૧ સુધીમાં કુલ ૬.૯ લાખ દર્દીઓને રેમડેસિવિયર આપવામાં આવ્યા હતા. ત્રીજા વેવમાં તેના ૮ લાખ ડોઝની જરુર પડે તેવી શક્યતા છે. તે જ રીતે, અત્યારસુધી રાજ્યમાં એક કરોડ આરટી-પીસીઆર અને ૭૦ લાખ રેપિટ એન્ટિજેન ટેસ્ટ કિટ્‌સ વપરાઈ છે. જ્યારે ત્રીજી વેવ માટે ૧.૨૫ કરોડ આરટી-પીસીઆર અને ૮૭.૫ લાખ એન્ટિજેન ટેસ્ટ કિટ તૈયાર રાખવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.