Western Times News

Gujarati News

મુસીબતની મહેફિલને માપી જવાના, ન માનો અમે એમ હારી જવાના,

ન માનો અમે એમ હારી જવાના,
ભલે આપો પથ્થર તરાશી જવાના.
અરે! દળ ઉપર દળ છો કાદવ ભરી દો,
કમળ શાં ખીલીને હરાવી જવાના.
છીએ કાષ્ટ પોચુંને પલળી જવાના,
જાે રાખો ભરોસો તો તારી જવાના.
ને ચૂમીશું, ચાખીશું, માગીશું પળપળ,
મુસીબતની મહેફિલને માપી જવાના.
તેં આપ્યું તેં લીધું, તે લીધું તેં આપ્યું,
ખુદા તું કે હું ! એ બતાવી જવાના.
– ઉષા ઉપાધ્યાય

લાગણીસભર, પ્રેમાળ અને સ્નેહાળ વ્યક્તિત્વ એટલે ઉષા ઉપાધ્યાય. તેમના નામથી સૌ જાણીતા છે. તેમનો સાહિત્ય પ્રેમ જ્યારે કલમમાંથી ટપકે છે તો તેમાં અનુભવની સાથે સાથે સંવેદનાની મધમીઠી સોડમ સહજે આવે છે. પ્રકૃતિ તેમની કવિતામાં સહજે વણાઈ જાય છે. કવિતા ઉપરાંત અકાંકી, વિવેચન, વાર્તા, નિબંધ, અનુવાદ, સંશોધન, બાળ સાહિત્ય તેમજ સંપાદન ક્ષેત્રે પણ તેમનું યોગદાન અમૂલ્ય છે.

બહુમુખી પ્રતિભા એટલે ઉષા ઉપાધ્યાય. તેમનો જન્મ ૭.૬.૧૯પ૬ ના રોજ ભાવનગરમાં થયો હતો. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં તેઓ ૧૯૯૮માં રીડર અને અધ્યક્ષ રહ્યાં તેમજ વર્ષ ર૦૦૦થી પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.

તેઓ ગુજરાત વિદ્યાપીઠની આર્ટસ ફેકલ્ટીના ડીન છે. તેઓ રાષ્ટ્રીય સ્તરે તેમજ સાહિત્યિક સંસ્થાઓ સાથે જાેડાયેલા છે. જુઈ મેળા દરમ્યાન તેઓ નવી નવી પ્રતિભાશાળી કવિયિત્રીઓને પ્રોત્સાહન પુરું પાડી રહ્યાં છે. તેમનું વ્યક્તિત્વ પ્રતિભાશાળી અને સર્જનાત્મક છે. તેમની જેટલી વાતો કરીશું એટલી ઓછી છે. તેમની આ ગઝલ ખૂબ ઉત્સાહપ્રેરક છે. આપ સૌને જરુર પસંદ આવશે.

“ન માનો અમે એમ હારી જવાના, ભલે આપો પથ્થર તરાશી જવાના.”

જીવનની રમટ અટપટી છે. જે મનથી જીવે છે એ જ જિતે છે. લોકો તમારી સામે નવી નવી મુસીબતો લઈ આવવાના. ઘણી વખત તમને નવી નવી મુસીબતમાં ધક્કો પણ મારવાના, પણ તમારું મન મજબૂત હશે તો કોઈપણ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા રોકી નહીં શકે. ન માને એમ હારી જઈને જિતી જવાના.

કેમ કે જે મનથી હારે છે એ જ જીવનની બાજીમાં હારી જાય છે. મનથી જે જિતે છે એ હારીને પણ કંઈક ને કંઈક રસ્તો શોધી જીતી જ જાય છે. કહેવાય છે ને કે જે પડી જાય છે તે નથી હારતો પણ જે પડીને પણ ઊભો નથી થતો તે જ હારી જાય છે.
“અરે! દળ ઉપર દળ છો કાદવ ભરી દો,

કમળ શાં ખીલીને હરાવી જવાના.”
દળ પર કાદવ ભરી દે તો પણ કમળની જેમ ખીલી જવાના. જે લોકો મક્કમ છે તે પોતાના લક્ષ્ય સુધી જરુર પહોંચવાના. જીવનની કેડીમાં તકલીફો સામે લડી લડીને જ આગળ વધવું પડે છે. પણ મનમાં જિત પાક્કી છે તો કીચડમાંથી પણ કમળની જેમ ખીલી બતાવવાની ખુમારી આ ગઝલમાંથી અનુભવાય છે. કમળના જેમ ખીલીને પોતાની ખુશ્બૂ હવામાં ભળે છે ત્યારે મન અને વાતાવરણ બંને ખુશનુમા થઈ જાય છે.

“છીએ કાષ્ટ પોચુંને પલળી જવાના,
જાે રાખો ભરોસો તો તારી જવાના.”
લાકડું પલળીને ફુલી જાય છે. લોકો માટે એ નકામુ બની જાય છે પણ પોતાની શક્તિ પર ભરોસો રાખીએ તો એ જ લાકડું તોફાનમાંથી તારે છે. આપણી તાકાત આપણે જ ઓળખવાની હોય. કુદરતે બધામાં અનોખી શક્તિ મુકી છે. જેના આધારે આપણે અણધાર્યા કામો પણ પાર પાડી શકીએ છીએ. લોકોની વાતો સાંભળીને બેસી રહેવાના બદલે પોતાની જાત પર ભરોસો રાખી આપણું કામ કરતા જવાનું. આપણું કામ કરતા જઈશું તો ચોક્કસ એક દિવસ આપણી અંદર આપણે નવો જ બદલાવ જાેઈ શકીશું.

“ને ચૂમીશું, ચાખીશું, માંગીશું પળપળ,
મુસીબતની મહેફિલને માપી જવાના.”
મુસીબતથી ડરવાના બદલે મુસીબતને ચૂમીશું, ચાખીશું અને માંગીશું, આમ જ મુસીબતને માપી જઈને તેનાથી લડી જવાની ઝિદાદિલી આ શેરમાં અનુભવી શકાય છે. જીવનની મુસીબતના સમયે તેને સમજીને તેને દૂર કરવાની વાત છે. તેનાથી ડરીને ભાગવાની વાત નથી. સામી છાતીએ લડવાની વાત છે. સમજીને લડવાની વાત છે. દરેક સમસ્યાનો એક હલ હોય જ છે. એ રસ્તો શોધીને તેના પર ચાલીને મુસીબત માપી જવાની વાત છે.

“તેં આપ્યું તેં લીધું, તેં લીધું તેં આપ્યું,
ખુદા તું કે હું ! એ બતાવી જવાના.”
ઈશ્વરને પણ ચેલેન્જ આપી છે, તું જ આપે છે તું જ લઈ લે છે, તું જ લઈ લે તું જ આપે આ કેવો તારો ન્યાય? ખુદા તું કે હું એ જ હવે અમે જ બતાવી જવાના. તારી દાદાગીરી જ ચાલી આવે છે. કંઈક કેટલીયે તકલીફ થાય છે. મન કચવાય છે. દુખમાં સરી પડીએ ત્યારે જીવન જ ખોરવાઈ જાય છે. તારી હોવા છતાં જીવનમાં આટઆટલી પીડા? હવે તો ખુદા તું છે કે હું એ અમે જ બતાવી જવાના.. રક્ષા શુકલની ગઝલનો એક શેર યાદ આવી ગયો.

“તું જ આપે, તું જ કાપે, આટલી દાદાગીરી ?
નાચવું તારી જ થાપે આટલી દાદાગીરી !”

આ આખી ગઝલ મનમાં એક નવો જ ઉત્સાહ પ્રેરે છે. જેટલી વાર તેને મમળાવીએ મનમાં નવી જ ઉર્જા અનુભવાય છે અને જીવનને જીવવાની નવી જ બારી ઉઘડી જાય છે. મનમાં નિરાશાના બદલે આશાનો ઉદય થાય છે.
અંતની અટકળ

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.
– ઉષા ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.