Western Times News

Gujarati News

વડતાલ છાત્રાલયમાં 1000 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે

વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાલયનું ખાતમુહુર્ત સંપન્ન : ગુજરાતના યુવાનો વૈશ્વીક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજયમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે : સ્વામીનારાયણ મુખ્ય મંદિર સંચાલીત છાત્રાલય

વલ્લભ વિદ્યાનગર,  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલ્લભવિદ્યાનગર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર સંચાલિત છાત્રાલય અને મંદિરનો આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.આ છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે સંસ્કાર અને રાષ્ટ્ર ઘડતરનું શિક્ષણ મેળવશે.આ છાત્રાલયગરીબ અને સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 21 મી સદી જ્ઞાનની સદી છે,ત્યારે ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું શિક્ષણપ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું આત્મ નિર્ભર ભારત અને નવા ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરશે. તેમણે ઉમેર્યું કે ઘર પરિવારથી દૂર રહીને અહી નિર્માણ થનાર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓનું શિક્ષા દીક્ષા સાથે સંસ્કારોનું પણ ઘડતર થશે.

આ છાત્રાલયનું નિર્માણ પણ ગુજરાત કે ભારતમાં જ નહિ દેશ-વિદેશમાં વિદ્યાધામ તરીકે પ્રખ્યાત વલ્લભ વિદ્યાનગરમાં થઇ રહયું છે તે વિશેષ આનંદની વાત છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ કરમસદની નજીક વલ્લભ વિદ્યાનગર તેમના જ આશીર્વાદથી ભાઇકાકા અને ભીખાભાઇ સાહેબે ચારૂતર વિદ્યામંડળના નેજામાં વિકસાવેલું નગર છે.જેમાંઆજે એક વધુ પુષ્પનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત પર સ્વામિનારાયણ ભગવાનની હંમેશા કૃપા દ્રષ્ટિ રહી છે.કોરોના કાળ હોય કે વાવાઝોડાના સમયે સરકારની સાથે વડતાલ મંદિર માનવ સેવા માટે અગ્રેસર રહ્યું છે.

આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મ. પ.પુ. આચાર્યશ્રી રાકેશપ્રસાદ મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું કે છાત્રાલયમાં એક હજાર વિદ્યાર્થીઓ માટે તમામ વ્યદવસ્થાર નિ:શુલ્ક કરવામાં આવી છે. આ છાત્રાલયમાં રહી અભ્યાસિ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થશે અને તેઓ દેશના સાચા નાગરિક બનશે. સરધાર મંદિરના શ્રી નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયથી અનેક સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે

તે પરંપરાને જાળવીને આજે છાત્રાલય અને મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે આનંદની વાત છે.અહી વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે જ્ઞાન પ્રાપ્ત કરી દેશના શ્રેષ્ઠ નાગરિકો બનશે. કુંડલધામના શ્રી જ્ઞાનજીવન સ્વામીએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળમાં ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સરકારની સાથે રહી સરાહનીય કામગીરી કરી હતી.

સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રીએ જીવ માત્રના કલ્યાણ માટેઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રારંભમાં ડો.સંતવલ્લભ સ્વામીએ સૌનો આવકાર કર્યો હતો.

આ અવસરે શ્રી રાકેશ પ્રસાદ મહારાજના 55 મા તથા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના 65 મા જન્મ દિને વિશાળ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ મિતેષભાઈ પટેલ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, મુખ્યદાતા અરજણભાઇ ધોળકિયા સંતો, અગ્રણી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, ચારૂતરવિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઇ પટેલ, પદાધિકારીઓ, કલેકટર મનોજ દક્ષિણી,જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિ, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.