વડોદરામાં દંપતીએ ગાડીઓ ભાડે મૂકવાની લાલચ આપી ૧૫ લોકોને ઠગ્યા
વડોદરા, કોરોનાની મહામારીમાં એક તરફ કેટલાક લોકોએ બેરોજગાર બનેલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ગોરવાના ઠગ દંપતીએ ધંધા-રોજગારની શોધમાં ફરતા ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી.
ભાડુ તો ઠીક દંપતીએ ગાડીઓ પરત ન આપીને ૧૫ ગાડીઓના માલિકો સાથે ૫૫.૭૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગાડીઓના માલિકોએ ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ ૬, શ્રીજીધામ ડુપ્લેક્ષમાં રાકેશભાઇ પુષ્પવદન શેઠ પરિવાર સાથે રહે છે અને તેઓ પોતાની ફોર વ્હીલમાં સ્કૂલ વર્ધીનું તેમજ છૂટકમાં પણ પોતાની ગાડી ભાડેથી આપે છે
અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરી-૨૦૨૧માં તેઓને તેઓના સ્કૂલવર્ધી ગૃપમાંથી ખબર પડી હતી કે, ગોરવા જાેરાવર પીરની દરગાહ પાસે રહેતા રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ ગાડીઓ ભાડા કરાર કરીને ભાડેથી લે છે અને માસિક સારું ભાડુ આપે છે.
દરમિયાન રાકેશભાઇ શેઠે પોતાની ગાડી ભાડે આપવા માટે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખનો સંપર્ક કર્યો હતો. ત્યારે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખે જણાવ્યું હતું કે, મારી પાસે ઘણાં બધા લોકોની ગાડીઓ છે અને તે ગાડીઓ કંપનીઓમાં મૂકુ છું અને કંપનીઓમાંથી મળતા ભાડાની રકમમાંથી મારું કમિશન લઇ તમામ ગાડીઓવાળાઓને નિયમીત ભાડુ ચૂકવું છે. રાકેશભાઇ શેઠને તેના ઉપર વિશ્વાસ આવતા ૨ માર્ચ-૨૦૨૧ના રોજ રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેઠની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીના નામે ભાડા કરાર કરીને પોતાની કાર માસિક રૂપિયા ૨૦,૦૦૦ ભાડુ નક્કી કરીને આપી હતી. આ ઉપરાંત રાકેશભાઇ શેઠે પોતાની બીજી ઇકો કાર પણ માસિક ભાડુ નક્કી કરી ભાડા કરાર કરીને આપી હતી.
ગાડી ભાડે આપ્યા બાદ રાકેશભાઇ શેઠે પોતાની ભાડે મૂકેલી બે ગાડીના ભાડાની માગણી કરતા ઠગ દંપતીએ બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. ભાડુ ન મળતા રાકેશભાઇએ પોતાની ગાડીઓ પરત માગતા ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખ અન તેની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીએ ગાડીઓ બીજાને આપી છે. સારું ભાડુ મળશે તેવી લાલચ આપીને ભાડુ પણ આપ્યું ન હતું અને ગાડીઓ પણ પરત કરી નથી.
ગોરવા પોલીસે રાકેશ શેઠ સહિત ૧૫ ગાડીના માલિકોની ફરિયાદના આધારે ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ (રહે. બાપુની ચાલ, ગોરવા જાેરાવર પીરની દરગાહ પાસે, ગોરવા) અને તેની પત્ની નિમીશા ઉર્ફ અનીશા કાંતિભાઇ સોલંકી (રહે. બાપુની ચાલ, ગોરવા જાેરાવર પીરની દરગાહ પાસે ગોરવા) સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.HS