ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિતે KBS & નટરાજ કોલેજમાં ગીતોની સ્પર્ધા યોજાઈ

વાપી, ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં “રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી ઉજવણી નિમિતે કોલેજમાં આંતર ક્લાસ સોલો સીંગીંની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં કોલેજના મોટી સંખ્યામાં વિધાર્થીઓ ભાગ લઈ, ગીતો ગાયા હતા.
આ સ્પર્ધામાં રીયા ઝા (એસ.વાય. બી.કોમ) પ્રથમ વિજેતા, રાધા ચૌહાણ (ટી.વાય. બીકોમ) દ્વીતીય સ્થાને તેમજ સાક્ષી દિનેશ ચૌહાણ (એસ.વાય.બી.કોમ) તૃતીય સ્થાને રહી વિજેતા રહ્યા હતા.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે ડો. ક્રિષ્ના રાજપૂત અને ડો. મીતા વકીલવાલાએ સેવા આપી હતી. સ્પર્ધાનું આયોજન અને વ્યવસ્થા ઈવેન્ટ કો-ઓર્ડિનેટર મદદનીશ પ્રાધ્યાપક દિપક સાંકી, ડો. સૌમ્યા પાનીકર અને રીપલ ટંડેલે કરી હતી.
આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે ભાગ લીઘેલ તમામ સ્પર્ધકો, નિર્ણાયકો, કો-ઓર્ડિનેટરનો આભાર માની વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું.
ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.