બનાસ નદીમાં ઘોડાપુર આવતા ચાર ગામોમાં પીવાના પાણીનું સંકટ

પાલનપુર, અમીરગઢ તાલુકાના છેવાડાાના ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ બનાસ નદીના પટમાં કૂવો બનાવી પાઈપલાઈન દ્વારા ગામડે ગામડે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
પીવાના પાણીની વ્યવસ્થા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવેલ જે કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતી આચરવાના આશયથી પાણીની પાઈપલાઈન નદીના પટમાં અદ્ધર ગોઠવવામાં આવેલ. હાલમાં બનાસ નદીમાં ઘોડાપૂર આવતા પીવાના પાણીની પાઈપલાઈન તણાઈ જવા પામી છે અને કૂવો ભરાઈ જતા મોટર પણ ડૂબી જવા પામેલ છે.
જેના લીધે ડાભેલા, રબારીયા, ખારી અને ઝાબા ગામના ગ્રામજનોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. સ્થાનિકો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ બનાસ નદીના પટમાં પાણી વ્યવસ્થા સંપૂર્ણ નાસ પામેલ જણાઈ આવેલ છે.
જે બાબતે ગ્રામજનોનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે, લાગતા વળગતા અધિકારીઓને મૌખિક જાણ કરી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છીએ.
તો શું જ્યાં સુધી પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરવામાં ન આવે ત્યાં સુધી ચાર ગામોને પીવાના પાણી માટે વલખાં મારવા પડશે ? બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરાવે. અમીરગઢ તાલુકાના ચાર ગામોમાં સત્વરે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે.