વાયબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતના ધોલેરામાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર, ગુજરાત સરકાર ૧૦મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. એ પહેલાં સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે જેમાં ટિ્વટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે.
એ પહેલાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ ડેટા સેન્ટર પોલિસી બનાવશે. આ પોલિસીનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસર પ્રાપ્ત કરવામાં આવશે. સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કર્યું છે.
ડેટા સેન્ટરથી જાેડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુનાં ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તરપ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે. યોગી આદિત્યનાથની સરકારે ડેટા સેન્ટર પોલિસી હેઠળ મૂડીરોકાણનું પણ લક્ષ્ય રાખ્યું છે.
વાયબ્રન્ટ સમિટ પહેલાં જાે ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ફાયદો કરાવશે, એ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને કરવાની થતી હોવાથી આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે.