વડગામ તાલુકામાં ખેત મજૂરે ખેડૂતના ગળા ઉપર ઘા કરતા ચકચાર
લોહીથી લથબથ ગંભીર હાલતમાં ખેડૂતને ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયો
છાપી, વડગામ તાલુકાના બાવલચુડી ગામે રવિવારે બપોરના સુમારે ખેડૂત સાથે ખેતરમાં મજૂરી કરતા ખેત મજૂર વચ્ચે કામ બાબતે બબાલ થતાં ઉશ્કેરાયેલા ખેતમજૂરે ખેડૂતના ગળા ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારતે ખેડૂત લોહીલુહાણ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના બાવલચુડી ગામે રહેતા આસીફભાઈ કરડીયા ગામના જ એક ખેડૂતનું ખેતર ઉધડથી વાવવા રાખેલ ખેતરમાં ખેતી કામ કરવા માટે કેશુભા (ઉર્ફે જીંગો) વાઘુભા ઝાલા (રહે.રૂપપુરા, તા.બેચરાજી, જિ.પાટણ)ને બે સ્થળે માસ પૂર્વે રાખેલ હતો. દરમિયાન રવિવારે કામની બાબતે આસીફભાઈ અને ખેતમજૂર વચ્ચે તકરાર થઈ હતી.
દરમિયાન આસીફભાઈ ઠપકો આપતાં કહ્યું કે, કામ ન કરવું હોય તો તારો હિસાબ કરી જતો રહે જેથી ઉશ્કેરાયેલા મજુરે હાથમાં રહેલ ધારદાર હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગળાના ભાગે જીવલેણ હુમલો કરી ગળાના ભાગે ઘા કરતા આસીફભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાં.
જેની પરિવારને જાણ થતાં પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસીફભાઈને ગંભીર હાલતમાં તાત્કાલિક ૧૦૮માં પાલનપુર સારવાર હેઠળ ખસેડ્યા હતા. જાેકે, ફરજ પરના તબીબે ઈસમની હાલત ગંભીર હોવાના કારણે ગળાનું ઓપરેશન કરવું પડે તેમ હોઈ વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
ખેતીના કામ બાબતે ઉશ્કેરાયેલા ખેત મજૂરે ખેતર માલિક ઉપર જીવલેણ હુમલો કર્યાની જાણ થતાં પીએસઆઈ એસ.ડી.ચૌધરી તેમજ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફરાર આરોપી કેશુબા ઝાલાને ઝડપી પાડી અટકાયત કરી જેલ હવાલે કર્યાે હતો.