જેસલમેરમાં સેનાનું મિગ-૨૧ વિમાન ક્રેશ, પાયલટનું મોત
જેસલમેર, જેસલમેરમાં શુક્રવારે રાત્રે વાયુસેનાનું મિગ-૨૧ વિમાન ક્રેશ થઇ ગયું છે. ઘટના બીદા ગામની બતાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ગોડાવણ બ્રીડિંગ સેન્ટર સુદાસરી પાસે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે.
જિલ્લા કલેક્ટર આશિષ મોદી સહિત પ્રશાસન, પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. બિદા ગામ સમ સેંડ ડ્યૂન્સથી લગભગ ૧૬ કિમી દૂર છે. સૂત્રોના મતે જે સ્થળે ફાઇટર જેટ પડ્યું છે તે પાકિસ્તાન બોર્ડર પાસે છે. જાણકારી પ્રમાણે આ વિસ્તાર સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે.
આ એરિયા આર્મીના કંટ્રોલમાં છે. જેથી ત્યાં કોઇને જવા દેવામાં આવી રહ્યા નથી. વિમાન લગભગ સાડા આઠ કલાકે ક્રેશ થયું છે. વિમાન પોતાની નિયમિત ઉડાન પર હતું. દુર્ઘટના થઇ ત્યાંથી જેસલમેર લગભગ ૭૦ કિમી દૂર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓગસ્ટ ૨૦૨૧માં પણ બાડમેરમાં એક-૨૧ વિમાન ક્રેશ થયું હતું.
રશિયા અને ચીન પછી ભારત મિગ-૨૧નું ત્રીજુ સૌથી મોટું ઓપરેટર છે. ૧૯૬૪માં આ વિમાનને પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટના રૂપમાં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં જેટ રશિયામાં બન્યા હતા અને પછી ભારતે આ વિમાનને અસેમ્બલ કરવાનો અધિકાર અને ટેકનિક પણ મેળવી લીધી હતી. ત્યારથી અત્યાર સુધી મિગ-૨૧ એ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, ૧૯૯૯ના કારગિલ યુદ્ધ સહિત ઘણા સમયે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
રશિયાએ ૧૯૮૫માં આ વિમાનનું નિર્માણ બંધ કરી દીધું છે પણ ભારત તેના અપગ્રેડેડ વેરિએન્ટનો ઉપયોગ કરતું રહ્યું છે. થોડા દિવસો પહેલા તામિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત કુલ ૧૩ લોકોના મોત થયા હતા. કુન્નૂર વિસ્તારમાંથી આ હેલિકોપ્ટર પસાર થઇ રહ્યું હતું ત્યારે જંગલમાં ક્રેશ થઇ ગયું હતું. કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ ચાલી રહી છે.SSS