ઈ-વ્હીકલ્સ કુરિયર અને લોજિસ્ટિક્સ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે
શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાના મતે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવવા બાબતે લોજિસ્ટિક્સ સેક્ટર બીજા ક્ષેત્રો કરતાં અગ્રેસર રહેશે
અમદાવાદ, ફ્યુઅલના રેટ્સ કુરિયર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોને સીધી અસર કરે છે કારણ કે તેમની પડતરમાં ફ્યુઅલનો હિસ્સો નોંધપાત્ર હોય છે. આ સ્થિતિમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સનો વધી રહેલો વ્યાપ એક મોટી આશાનો સંચાર કરી રહ્યો છે.
શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાના મતે લોજિસ્ટિકસ સેક્ટર ઈ-વ્હીકલ્સ પર મોટો મદાર રાખી રહ્યું છે અને તે સાચા અર્થમાં આ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં દેશના 30-50 ટકા વાહનો ઈલેક્ટ્રીક વાહનોમાં તબદીલ થઈ જશે. ઈલેક્ટ્રીક વાહનોના કોમર્શિયલ ઉપયોગને લોજિસ્ટિક્સ સેક્ટરે હંમેશા આવકાર્યો છે.
મોટી લોજિસ્ટિક્સ કંપનીઓએ આગામી પાંચ-દસ વર્ષમાં ગ્રીન સપ્લાય ચેઈન ઊભી કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. વધુને વધુ કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો ઉમેરી રહી છે જેથી ટ્રાન્સપોર્ટેશનને પોલ્યુશન ફ્રી બનાવી શકાય. ઈલેક્ટ્રીક વાહનો અપનાવવા બાબતે લોજિસ્ટિક્સ સેક્ટર બીજા ક્ષેત્રો કરતાં સૌથી અગ્રેસર રહેશે.
“છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-કોમર્સના બિઝનેસમાં આવેલી અભૂતપૂર્વ તેજીએ લોજિસ્ટિક સેક્ટર માટે વિશાળ તકો ઊભી કરી છે. ઈ-રિટેલર્સની વધતી જતી લોકપ્રિયતાના લીધે લોજિસ્ટિક સેક્ટરની કામગીરીમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યા છે. ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ 2020માં 46.2 અબજ ડોલરનું હતું
જે વધીને વર્ષ 2025 સુધીમાં 111.40 અબજ ડોલરનું થાય તેવી સંભાવના છે. તેમાં પણ હાઈપરલોકલ ડિલિવરીનો કન્સેપ્ટ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. સેલર પાસેથી પ્રોડક્ટ્સ મેળવીને તેને સીધા જ કસ્ટમરના ઘરે ડિલિવરી કરવાનો હાઈપરલોકલ ડિલિવરી બિઝનેસ લોજિસ્ટિક્સ સેક્ટર માટે વિકાસનું નવું ગ્રોથ એન્જિન બનશે”, એમ શ્રી મોકરિયાએ જણાવ્યું હતું.
છેલ્લા એક-બે દાયકામાં વિશ્વની નોંધપાત્ર વસ્તી શહેરોમાં સ્થાયી થઈ છે. એટલે તેમની જરૂરિયાતની વસ્તુઓની સમયસર અને એક્યુરેટ ડિલિવરી કુરિયર અને લોજિસ્ટિક કંપનીઓ માટે મોટો પડકાર બની છે. અમેરિકા અને યુરોપમાં લગભગ 80 ટકા વસ્તી શહેરોમાં રહે છે. શહેરી વિસ્તારોમાં વધી રહેલી વસ્તી સામે સ્થાનિક લોકો માટે ડિલિવરીનું પ્રમાણ પણ વધ્યું છે એટલે હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધરમૂળથી ફેરફારો કરવા જરૂરી છે.
સરકાર પણ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ માટે ગંભીર પ્રયાસો કરી રહી છે. કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવા માટે ઈ-વ્હીકલ્સના મહત્તમ ઉપયોગ અંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન શ્રી નીતિન ગડકરી ખૂબ જ સક્રિય છે. સરકારે પેટ્રોલ-ડીઝલથી ચાલતા જૂના વાહનો પર ગ્રીન ટેક્સ નાખવાની પણ વિચારણા કરી છે.
સ્માર્ટ સિટીમાં ઈલેક્ટ્રીક આધારિત વાહનો માટે રિચાર્જ સ્ટેશનો ઊભા કરવાની જરૂર છે. આ સ્ટેશનોની સંખ્યા, ચોક્કસ જગ્યાએ ઈન્સ્ટોલેશન અને ક્ષમતા સંદર્ભે મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ્સ થવા જોઈએ. પર્યાવરણ અને ઊર્જા બંનેના દ્રષ્ટિકોણથી ઈલેક્ટ્રીક વ્હીકલ્સ હાલ ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રાયોરિટી હોવી જોઈએ
પરંતુ તેની કાર્યક્ષમતા સામે કેટલીક ચેલેન્જીસ રહેલી છે. આ વાહનોમાં વપરાતી બેટરીની એનર્જી ડેન્સિટી હાલના પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની એવરેજ કરતાં ઓછી છે. આ પ્રકારની બેટરીના રિચાર્જ માટે લાગતો સમય ઘણો વધારે છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ અને ખાનગી જગ્યાઓ પર ઈલેક્ટ્રીક બેટરીના ચાર્જિંગ પોઈન્ટ્સ હજુ પૂરતા પ્રમાણમાં નથી.
ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં હાલની માલસામાન ડિલિવરી વ્યવસ્થા લોજિસ્ટિક્સ કંપનીઓ માટે અનેક સમસ્યાઓ સર્જી રહી છે જેમ કે મુખ્ય રસ્તા પર ટ્રાફિક, હવા અને ધ્વનિ પ્રદૂષણ, ફ્યુઅલનો બગાડ, ઘટી રહેલી માર્ગ સુરક્ષા, સાંકડા રસ્તા, અપૂરતી પાર્કિંગ સુવિધાઓ, પ્રદૂષિત હવાના લીધે શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીઓ વગેરે.
આથી લોજિસ્ટિક્સ ઈન્ડસ્ટ્રીએ પોલ્યુશન-ફ્રી ટેક્નોલોજી ધરાવતા ઈલેક્ટ્રીક વાહનો તરફ ફોકસ કરવાની વધુ જરૂર છે. ઈકો-ફ્રેન્ડલી ઈ-વ્હીકલ્સથી ડિલિવરી સરળતાથી થઈ શકશે અને ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપી શકાશે. આનાથી ઈન્ડસ્ટ્રીને નડતી બીજી કેટલીક પૂરક સમસ્યાઓનું પણ નિરાકરણ આવશે.
શહેરી ટ્રાન્સપોર્ટમાં મોટાભાગના વાહનો ઓછી ડ્રાઈવિંગ સ્પીડે ફરતા હોય છે અને ઈલેક્ટ્રીક વાહનો ઓછી સ્પીડે સૌથી વધુ કાર્યક્ષમ રહે છે. ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ડિલિવરી માટે જે રૂટનો ઉપયોગ થાય છે તે દર બીજા કે ત્રીજા દિવસે મોટાભાગે સરખો જ હોય છે એટલે ઈલેક્ટ્રીક વ્હીકલ્સની બેટરી રિચાર્જ કરવા માટે કે બેટરી બદલવા માટે જરૂરી આયોજન થઈ શકે છે. અનેક શહેરો ઈલેક્ટ્રીક વ્હીકલ્સને ફ્રી પાર્કિંગ સ્પેસ આપી રહ્યા છે. આના લીધે ઈ-વ્હીકલ્સને પરંપરાગત વાહનોની સરખામણીએ માલસામાનની ડિલિવરી માટે સમય બચે છે અને ઓછી મુશ્કેલીઓ પડે છે.
પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલના કારણે થતા એર પોલ્યુશનના લીધે વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 2.9 ટ્રિલિયન ડોલરનો ફટકો પડે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વર્ષ 2020માં વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 46 શહેરો હતા. પ્રદૂષિત શહેરોની સંખ્યાના મામલે આપણે ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ કરતાં પણ આગળ છીએ.
ભારત સરકાર જાન્યુઆરી, 2019માં શરૂ કરાયેલા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (એનસીએપી) પર આગળ વધી રહી છે. એનસીએપી અંતર્ગત 2017ની બેઝલાઈનથી વર્ષ 2024 સુધીમાં પસંદ કરાયેલા 122 શહેરોમાં પીએમ2.5 સ્તર ઘટાડીને 20થી 30 ટકા કરવાનો લક્ષ્યાંક છે. ઈલેક્ટ્રીક વ્હીકલ્સ શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ ઓછું કરવામાં મોટો ફાળો આપી શકે તેમ છે.