Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને વટવા, ઓઢવ અને નરોડા જી.આઈ.ડી.સી.ને રૂા.૧પ૪ કરોડ આપ્યાઃ પરીણામ શૂન્ય

છેલ્લા ૧પ વર્ષથી ટેક્ષ કલેકશનની ૭પ ટકા રકમ જીઆઈડીસીને ચુકવાઈ રહી છે છતાં રોડ, રસ્તા બિસ્માર ઃ ડ્રેનેજમાં કેમીકલના પાણી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા, નરોડા અને ઓઢવ જીઆઈડીસીમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મિલ્કતવેરાની ૭પ ટકા પરત આપવામાં આવતી હતી. મ્યુનિ. કોર્પોરેશનના વ્યાપમાં વધારો થયા બાદ કઠવાડા જી.આઈ.ડી.સી.ને પણ આર્થિક રાહત આપવાની થાય છે.

તદ્‌પરાંત ભવિષ્યમાં તૈયાર થનાર નવી જીઆઈડીસીના વિકાસ માટે પણ ઓઢવ, વટવાના ધોરણે ટેક્ષ કલેકશનની રકમ પરત આપવાની થાય તેમ છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ જી.આઈ.ડી.સી.ઓને પ્રોપર્ટીટેક્ષમાં ૭પ ટકા રાહત આપવી પરવડે તેમ ન હોવાથી લગભગ ૧પ વર્ષ બાદ જુના કરારને રદ કરી નવા કરાર કરવામાં આવી રહયા છે. જેમાં ૭પ ટકાના સ્લેબમાં ઘટાડો કરવામાં આવશે. એક અંદાજ મુજબ મનપા તરફથી વટવા, નરોડા અને ઓઢવ જી.આઈ.ડી.સી.ને છેલ્લા આંકડા મુજબ રૂા.ર૦પ કરોડની રકમ માળખાકીય સુવિધાના નામે પરત આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ર૦૦૪ની સાલમાં એક ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. સદ્દર ઠરાવ મુજબ વટવા, નરોડા અને ઓઢવ જી.આઈ.ડી.સી.માંથી પ્રોપર્ટી ટેક્ષ પેટે જે કલેકશન થાય તેના ૭પ ટકા રકમ જે તે જી.આઈ.ડી.સી.ને પરત આપવામાં આવે છે. જીઆઈડીસી દ્વારા ટેક્ષની રકમનો ઉપયોગ રોડ, ડ્રેનેજ, લાઈટ, પર્યાવરણ વગેરે માટે કામ કરવામાં આવે છે. જીઆઈડીસી દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમના બીલો મનપામાં જમા કરાવવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન અને જીઆઈડીસી વચ્ચે ર૦૦પની સાલમાં કરાર થયા હતા. ત્યારબાદ ટેક્ષના માળખામાં ઘણા ફેરફાર થયા છે અને ટેક્ષની રકમમાં વધારો પણ થયો છે.જેના કારણે ૭પ ટકા મુજબ આપવાની થતી રકમમાં વધારો થયો છે. ૧પ વર્ષ અગાઉ થયેલા કરારના લીધે મનપાની તિજાેરી પર ભારણ પણ વધી રહયુ છે. દરમ્યાન મ્યુનિ. હદમાં સમાવિષ્ટ થયેલ કઠવાડા જીઆઈડીસી તરફથી ૭પ ટકા રાહત માટે રજુઆત કરવામાં આવી છે.

કઠવાડા જીઆઈડીસીના પત્ર બાદ ર૩ ડીસેમ્બર ર૦ર૧ના રોજ મ્યુનિ. કમિશ્નરે ૭પ ટકાના બદલે પ૦ ટકા રકમ પરત આપવા નિર્ણય કર્યા છે. જેમાં વટવા, ઓઢવ અને નરોડા જીઆઈડીસીને પણ ૭પ ટકા ના બદલે પ૦ ટકા રકમ પરત આપવા માટે સુચન કર્યુ હતું તથા તે મુજબ નવા કરાર કરવા આદેશ કર્યા હતા. મ્યુનિ. કમિશ્નરના આદેશ બાદ ચાર જીઆઈડીસીને ટેક્ષ કલેકશનની પ૦ ટકા રકમ ત્રિમાસિક ધોરણે માળખાકીય વિકાસ માટે આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ર૦૦પમાં કરાર થયા બાદ વટવા, નરોડા અને ઓઢવ જીઆઈડીસીને ટેક્ષ કલેકશનમાંથી રૂા.૧પ૪.૩૯ કરોડની માતબર રકમ પરત આપવામાં આવી છે. જેમાં વટવા જીઆઈડીસીને રૂા.૮૯.ર૩ કરોડ, નરોડા જીઆઈડીસીને રૂા.૪૦.૩૯ કરોડ તથા ઓઢવ જીઆઈડીસીને રૂા.ર૪.૭પ કરોડ ર૦૦પથી માળખાકીય સુવિધાઓ માટે આપવામાં આવ્યા છે. ટેક્ષ કલેકશનના પ્રાપ્ય આંકડા મુજબ વટવામાંથી રૂા.૧૧૮.૮૮ કરોડ, નરોડામાંથી રૂા.પ૩.૮૬ કરોડ તથા ઓઢવમાંથી રૂા.૩૩.૦૧ કરોડ મળ્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી પર દર મહીને સરેરાશ રૂા.૧.૧૪ કરોડનું ભારણ ત્રણ જીઆઈડીસીનું આવે છે. કેટલાક નિષ્ણાતોના મંતવ્ય મુજબ ત્રણ જીઆઈડીસીને છેલ્લા ૧પ વર્ષથી દર મહીને રૂા.૧.૧૪ કરોડ આપવામાં આવે છે તેમજ અત્યાર સુધી રૂા.૧પ૪.૩૯ કરોડ ચુકવાયા છે. આટલી માતબર રકમમાંથી માત્ર જી.આઈ.ડી.સી જ નહિ કોઈ એક નાના ટાઉનમાં પણ માળખાકીય સુવિધાઓ પૂર્ણ થઈ શકે છે.

જી.આઈ.ડી.સી.ના વહીવટકર્તાઓ માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાની સાથે સાથે મેઈન્ટેન્સની રકમ પણ મનપા પાસેથી વસુલ કરી રહયા હોય તેમ લાગી રહયુ છે. માળખાકીય સુવિધામાં રોડ, પાણી, ડ્રેનેજ અને લાઈટની સગવડ તૈયાર કરી આપવાની રહે છે.

પરંતુ તેનો નિભાવ ખર્ચ તો જે તે જીઆઈડીસી કે વપરાશકર્તાએ જ કરવાનો રહે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે ત્રણ જીઆઈડીસીને કરોડો રૂપિયા પરત આપવામાં આવ્યા છે તે ત્રણેય જીઆઈડીસીના રોડ-રસ્તા અત્યંત બિસ્માર છે ડ્રેનેજના પાણી રોડ પર વહેતા હોય છે તથા કેમીકલયુક્ત એસિડિક પાણી ડ્રેનેજમાં જાય છે. મ્યુનિ. કોર્પોરેશનના નાણામાંથી મનપાને જ નુકશાન થઈ રહયુ છે તેથી હવે આવી ખોટી સહાય કરવામાં આવે તે જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.