ગરબા પુનઃ ચાલુ નહી કરાતાં ટોળાએ આંતક મચાવ્યો
ખોખરામાં બનેલી ચોંકાવનારી ઘટના : રાત્રે બે વાગે તોફાની ટોળાએ વાહનોમાં તોડફોડ કરી વકિલને ઢોરમાર મારતા હોસ્પિટલમાં ખસેડાયા |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં એક સોસાયટીમાં ગરબા બંધ થઈ ગયા બાદ દારૂ પીને આવેલા શખ્સોએ ગરબા પુનઃ શરૂ કરવા માટે ધમકીઓ આપી હતી અને ત્યારબાદ ગરબા શરૂ ન થતાં મધરાતે આ સ્થળ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી એક વકિલ ઉપર હુમલો કરતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં ૮ આરોપીઓ સામે નામ જાગ ફરિયાદ થઈ છે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં નવલા નોરતાની ઉજવણી હાલ ચાલી રહી છે આજે છેલ્લુ નોરતુ હોવાથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે નિયમ અનુસાર જાહેર સ્થળો ઉપર તથા શેરીઓમાં રાત્રે ૧ર.૦૦ વાગ્યે ગરબા બંધ કરી દેવામાં આવે છે. શહેરના ખોખરા વિસ્તારમાં રાષ્ટ્રભારતી સ્કુલ પાસે આવેલા જય અરૂણાનગરમાં પણ નોરતાની ઉજવણી ચાલી રહી છે અને આ સ્થળે પણ ૧ર.૦૦ વાગ્યા પહેલા ગરબા નિયમ અનુસાર બંધ કરી દેવામાં આવે છે.
શનિવારે રાત્રે ૧ર.૦૦ વાગ્યાની આસપાસ ધીરૂ શુકલ, મયંક શુકલ અને વિકાસ શુકલ નામના ત્રણ શખ્સો ફુલ દારૂ પીધેલી હાલતમાં આવી પહોંચ્યા હતા આ સમયે જયઅરૂણાનગરના આયોજકો ગરબા મહોત્સવ પૂર્ણ કર્યા બાદ માલસામાન પેક કરાવતા હતા. ગરબા પૂર્ણ થઈ જતા ધસી આવેલા ત્રણેય શખ્સોએ જયઅરૂણાનગરમાં જ રહેતા અને ગરબા મહોત્સવમાં સક્રિય ભાગ લેનાર મેહુલ ખેમચંદ સથવારા નામના નાગરિકે આ ત્રણેય શખ્સોને તમે દારૂ પીધેલા છો તેથી પરત જતા રહો ગરબાનો સમય પૂર્ણ થઈ ગયો છે
તેથી ગરબા પુનઃ શરૂ થઈ નહી શકે આટલું કહેતા જ ત્રણેય શખ્સો મેહુલભાઈ ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને ધાકધમકી આપવા લાગ્યા હતા. જેના પરિણામે સ્થાનિક નાગરિકો એકત્ર થઈ ગયા હતા લોકોનું ટોળુ ભેગુ થઈ જતાં જ નશામાં ચકચુર આ ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહયા હતા અને જતા જતા ધમકીઓ આપવા લાગ્યા હતા ત્યારબાદ નવરાત્રિનો તમામ સામાન પેક કરી સ્થાનિક નાગરિકો પોતાના ઘરે જતા રહયા હતાં.
રાત્રિના ર.૦૦ વાગ્યાની આસપાસ ધીરૂ શુકલ, મયંક શુકલ અને વિકાસ શુકલ તેના ૧૦થી વધુ સાગરિતો સાથે જય અરૂણાનગરમાં આવી પહોંચ્યા હતા અન્ય આરોપીઓમાં પંકજ, અભિલાષ, વૃષભ, ધીરજ, રાહુલ સહિત સાતથી વધુ શખ્સોનો સમાવેશ થાય છે. હાથમાં લાકડીઓ અને પાઈપો સાથે ધસી આવેલા આ ટોળાએ જય અરૂણાનગરમાં આંતક મચાવ્યો હતો અને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી વકિલના ઘર પાસે પણ તોડફોડ કરી હતી.
ભારે હોહામચી જતાં સ્થાનિક નાગરિકો ઘરની બહાર આવતા તેમના ઉપર પણ હુમલો કરવા લાગ્યા હતાં આ સમયે મેહુલ સથવારા કે જેઓ ઘીકાંટા મેટ્રો કોર્ટમાં વકીલ છે તેઓ ઘરની બહાર નીકળતા જ આ ટોળાએ તેમને ખેંચી લીધા હતા અને તેમના ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
રાત્રિના ર.૦૦ વાગ્યાની આસપાસ સમગ્ર નગરમાં હિંસક બનેલા તોફાની ટોળાએ આંતક મચાવ્યો હતો સ્થાનિક નાગરિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.