Western Times News

Gujarati News

ભંગાર વીણીને ગુજરાન ચલાવતાં પિતાના બે બાળકોના અપહરણ

મોડાસામાં ભાઈ-બહેનના અપહરણની ફરિયાદ નોંધાઈ -જૂના બજાર બસ સ્ટેન્ડની પાછળ રહેતા અને શહેરમાંથી પ્લાસ્ટિકનો ભંગાર ભેગો કરી પિતાની મદદ કરતા હતા

પાલનપુર,  મોડાસા જૂના બસ સ્ટેન્ડ પાસેથી આશરે ૧૦ દિવસ પહેલા ૧૦ વર્ષની બાળકી તેના ૮ વર્ષના ભાઈ સાથે ગુમ થઈ હતી. આ અંગે બાળકોના પિતા પોલીસને જાણ કરી ન કરતા પોતે જ શુક્રવાર સુધી બાળકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આટલો સમય વિત્યા છતાંય તેમનો કોઈ પત્નો ન લાગતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લક્ષ્મણ પોપટભાઈ એક વિધુર છે જેઓ તેમના બે બાળકો સાથે જૂના બસ સ્ટેન્ડ નજીક પોલીસ ચોકીની પાછળના ખુલ્લા મેદાનમાં રહે છે. લગભગ ૧૦ દિવસ પહેલા બંને બાળકો બજારમાં ગયા હતા, પરંતુ સાંજે પાછા ફર્યા ન હતા. ત્યારથી તેના ગુમ થયેલા બાળકોની શોધ કરતા કરતા પિતા હતાશ થઈ ગયા છે.

તેમણે હિમતનગર અને દહેગામ ખાતેના તેમના સંબંધીઓનો પણ સંપર્ક કર્યો હતો, ત્યારે તેઓ પણ ગુમ થયેલા બાળકોની શોધમાં તેમની સાથે જાેડાયા હતા. તેમ છતાંયે તેમની કોઈ ભાળ ન મળતાં કંટાળી ગયેલા પિતાએ શુક્રવારે પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ડીવાયએસપી ભરત બસિયાએ જણાવ્યું કે તેઓ ગુમ થયેલા બે બાળકોની સઘન શોધ કરી રહ્યા છે.
વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવા ઉપરાંત, પોલીસ તપાસ માટે હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે અને તેમની શોધને વિસ્તૃત કરવા માટે પોલીસની ટીમો પણ બનાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ ખુલ્લી જગ્યામાં લક્ષ્મણભાઈ દેવીપૂજક તેમની પત્નીના મૃત્યુ પચી ૧૦ વર્ષની પુત્રી પૂજા અને ૮ વર્ષીય પુત્ર અમર સાથે રહી શહેરમાં ભંગાર વિણી બંને બાળકોનું ભરણપોષણ કરી રહ્યા છે.

તેમના બંને બાળકો પણ શહેરમાંથી પ્લાસ્ટિકનો ભંગાર ભેગો કરી પિતાની મદદ કરતા હતા. ૧૦ દિવસ પહેલા બંને બાળકો રમતા-રમતા મોડાસાના બજારમાં ગયા હતા પછી મોડી સાંજ સુધી પરત ન ફરતા પિતાએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હજી સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.