સ્માર્ટસીટી અમદાવાદમાં ૧૧૯૩૮ કુપોષિત-અતિકુપોષિત બાળકો
બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે રાજ્ય અને મ્યુનિ.અધિકારીઓની અસંવેદનશીલતાના પરીણામે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. કુપોષિત બાળકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે.
પરંતુ વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવે છે. પરંતુ તે રકમ અત્યંત નજીવી હોય છે. જેને કુપોષિત બાળક અને તેના પરિવાર માટે મથક સમાન બની રહે છે. રાજ્ય સરકારે કુપોષણને રોકવા માટે ૨૦૨૦-૨૧માં યોજના શરૂ કરી હતી પરંતુ તેનો પૂરતો લાભ બાળકોને મળતો નથી. જેના પરીણામે, અમદાવાદ શહેરનાં કુપોષિત બાળકોની સંખ્યા ૧૧ હજાર કરતા વધુ છે.
અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યામાં લેશમાત્ર ઘટાડો થયો નથી. જેના માટે નિષ્ક્રિય વહીવટીતંત્ર જવાબદાર છે. ૨૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન કુપોષિત બાળકોની સંખ્યા ૧૦૯૯૨ હતી. ૨૦૨૧-૨૨માં કુપોષિત અને અતિકુપોષિત બાળકોની સંખ્યા ૧૧૯૩૮ છે.
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે બાળકદીઠ દૈનીક રૂા.૫.૧૦ ફાળવવામાં આવે છે. જ્યારે વાર્ષિક રૂા.૮૫૦૦ કરોડના બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુપોષણ દૂર કરવા રાતીપાઈ પણ ફાળવવામાં આવતી નથી. ઉત્સવ-મહોત્સવો માટે કરોડો રૂપિયા ખર્ચ કરતા મ્યુનિ.શાસકો પણ કુપાષણ સામે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
રાજ્ય સરકારે બે વર્ષ અગાઉ કુપોષિત બાળકોને ફળ આપવા માટે બાળક દીઠ રૂા.૧.૨૫ જાહેર કર્યા હતા. કુપોષિત બાળક માટે દૈનીક ફાળવવામાં આવતા રૂા.૫.૧૦માંથી જ દૂર ફ્રુટ માટે ખર્ચ થાય છે. કુપોષિત બાળકને સપ્તાહમાં બે વખત રૂા.૨.૫૦ના ખર્ચથી ફ્રુટ આપવામાં આવે છે. દેશના ગ્રોથ એન્જિન માનવામાં આવતા રાજ્ય માટે આ અત્યંત શરમજનક બાબત માનવામાં આવી રહી છે.
સરકાર દ્વારા ૨૦૧૮-૧૯માં કુપોષણ દૂર કરવા માટે રૂા.૬.૨૨ કરોડ અને ૨૦૧૯-૨૦માં રૂા.૫.૩૩ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. સરકારી ગ્રાન્ટ મુજબ ગણતરી કરવામાં આવે તો બાળકદીઠ માલિક રૂા.૪૩૦નો ખર્ચ થાય છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આઈસીડીએસ અંતર્ગત ૨૦૧૯-૨૦ના વર્ષમાં માત્ર રૂા.૪૦.૧૩ લાખ અને ૨૦૨૦-૨૧માં ૪૭.૭૫ લાખ ખર્ચ કરવામાં આવ્યાં હતાં. જેની સામે પગાર ખર્ચ પણ તેટલો જ થતો હતો. જ્યારે રાજ્ય સરકારે સમગ્ર આઈસીડીએસ પ્રોજેક્ટ માટે ૨૦૧૯-૨૦માં રૂા.૩૩.૭૬ કરોડ અને ૨૦૨૦-૨૧માં રૂા.૪૭.૯૬ કરોડ ફાળવ્યાં હતાં.
અમદાવાદ શહેરની ગરીબ-શ્રમજીવી વસાહતોમાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે. શહેરના પોશ માનવામાં આવતા વિસ્તારોમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. શહેરના બહેરામપુરા અને ઈન્ડિયા કોલોની જેવા વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યા ૭૦૦ કરતા વધુ છે. જ્યારે નારણપુરા, બોડકદેવ, થલતેજ, ચાંદલોડીયા જેવા વિસ્તારોમાં પણ કુપોષિત બાળકોની સંખ્યા ૧૦૦ કરતા વધુ છે.
ચોંકાવનારી બાબત એ છે કે, વાસણા જેવા સમૃદ્ધ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા ૨૫૦ છે. જ્યારે ગોતામાં ૨૨૭, સાબરમતીમાં ૨૬૨, બાપુનગરમાં ૩૦૦ તથા લાંભામાં ૨૭૦ કુપોષિત બાળકો છે. અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા ૯૮૦૧ તથા અતિકુપોષિત બાળકોની સંખ્યા ૨૧૩૭ છે.
નોંધનીય બાબત એ છે કે છેલ્લા દોઢ-બે વર્ષથી આંગણવાડીઓ બંધ હોવાથી કુપોષિત બાળકોના સાચા આંકડા મળવા મુશ્કેલ છે. અન્યથા ૨૦૨૦ના વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા ૨૧૬૨૦ હતી. કોરોનાકાળ દરમ્યાન આ આંકડામાં ઘટાડો થયો હોય તેમ નિષ્ણાંતો માનતા નથી.