કલોલમાં ૧ર૬ જેટલા કેસ ઝાડા-ઉલટીના નોંધાયા: આરોગ્યતંત્ર દોડતું થયું

ગાંધીનગર, કોરોના મહામારીમાંથી તંત્રને કળ વળી નથી ત્યાં આજે કલોલમાં ઝાડા ઉલટીના ૧૦૦થી વધુ કેસ નોંધાતા જીલ્લાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે.
નોધાયેલા કેસમાં ૮ માસના બાળકનું ઝાડાથી મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. આમ તો ઝાડા-ઉલટીના કેસો મળવાના શરૂ થયા હતા અને છુટા છવાયા કેસો આવ્યા હતા એટલે વસ્તીના પ્રમાણેને ધ્યાને લેતાં તંત્રએ પરીસ્થિતી પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું હતું.
આજે સવારથી જ શહેરમાં આ કેસોની સંખ્યામાં સતત વધારો થતાં તાલુકા આરોગ્યતંત્રએ જીલ્લાનું ધ્યાન દોયું હતું અને તાબડતોબ જીલ્લા આરોગ્યના અધિકારીઓ કલોલ પહોંચ્યા હતા. કલોલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આજે ૧૦૦થી વધુ કેસ ઝાડા-ઉલટીના સામે આવ્યા હતા. શંકાસ્પદ કોલેરાના કેસો ગણી તંત્રએ નવ દર્દીના ઝાડાના નમુના અને ૧પ જેટલા પાણીના નમુના મેળવી તપાસ માટે મોકલી આપ્યા છે.
મળતી વિગતો પ્રમાણે શહેરમાં ઝાડા-ઉલટીના કેસો જે સામે આવ્યા છે. તેણે તંત્રને ગંભીરતાથી લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ માટે ર૦ જેટલી ટીમો પણ ઉતારી દીધી છે. અને સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં પાણીના લીકેજીસ સાંજ સુધી મળ્યા ન હોવાનું તેમજ ગટરો ઉભરાવવાની સંખ્યાબંધ ફરીયાદો મળી હોવાનું જાણવા મળેલ છે.
તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ર૪ર૭ ઓ.પી.ડી. ચાલુ કરી દીધી છે. એટલું જ નહી કલોરીનની ટીકડીઓનું વિતરણ શરૂ કરી દઈ પાણી ઉકાળીને પીવાની લોકોને સુચનાઓ પણ આપવામાં આવી છે.