Western Times News

Gujarati News

પાટણ APMC હૉલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

સમર્થ ભારતનો ઈતિહાસ સ્ત્રીઓના યોગદાનથી સમૃદ્ધ, મહિલાઓની સુખાકારી માટે પરિણામલક્ષી પ્રયાસો થઈ રહ્યા છે: શ્રીમતી ભાનુમતીબેન મકવાણા

માહિતી બ્યુરો, પાટણ એ.પી.એમ.સી. હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર, માતા યશોદા એવોર્ડ તથા વ્હાલી દિકરી યોજના સહિતના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, ભારતીય પરંપરામાં સ્ત્રીઓને સદાય સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ ઉક્તિ દ્વારા શાસ્ત્રોમાં પણ મહિલાઓને સમુચિત સન્માનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સમર્થ ભારતનો ઈતિહાસ સ્ત્રી સમુદાયના યોગદાનથી સમૃદ્ધ છે ત્યારે માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુખાકારી માટે પરિણામલક્ષી પ્રયાસો થઈ રહ્યા છે.

પૂર્વ પંચાયત મંત્રીશ્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓને સમાજમાં યોગ્ય સ્થાન અપાવવાના પ્રયત્નો વર્ષો સુધી ચાલ્યા. સમાજમાં લગભગ ૫૦ ટકા જેટલી મહિલાશક્તિને ઓળખી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળમાં મહિલા સશક્તિકરણની કેડી કંડારી.

વિવિધ ક્ષેત્રોમાં મહિલા અનામત સહિત અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી નારી ગૌરવને પુનઃપ્રસ્થાપિત કરવાનું અભિયાન શરૂ કર્યું. આર્થિક ઉપાર્જન દ્વારા મહિલાઓ આર્ત્મનિભર બને અને ગૌરવપૂર્ણ જીવન જીવે-સશક્ત બને માટે અનેકવિધ યોજનાઓનો સુચારૂ અમલ કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે મહિલાઓની આર્ત્મનિભરતાના પ્રતિક સ્વરૂપે સરસ્વતી તાલુકાના શ્રીમતી ચેતનાબેન રાજપૂતે રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત મળેલી સહાય થકી મિનરલ વૉટર પ્લાન્ટ દ્વારા આર્થિક ઉપાર્જન મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હોવાની ગાથા રજૂ કરી રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રમતગમત તથા કળા ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓ પુરસ્કાર, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ તથા રસીકરણ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર મહિલા આરોગ્યકર્મીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત વરિષ્ઠ ગંગા સ્વરૂપા મહિલાઓના સન્માનની સાથે સાથે જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિમણૂંકપત્ર, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત દિકરી વધામણા કિટ તથા મહિલા સ્વાવલંબન યોજનના લાભાર્થીને રૂ.૧.૫૦ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નારી શક્તિના ગૌરવગાન સમા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન શ્રીમતી સેજલબેન દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી માયાબેન ઝાલા, શિક્ષણ સમિતિના ચેરપર્સન સુશ્રી નેતુબેન રાજપૂત,

જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રી ભાવેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી બી.કે.ગઢવી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકી સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.