૨ મહિનાના પુત્રને રૂમમાં મૂકી માતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત

સુરત, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કેવલ આવાસમાં રહેતી ૨૭ વર્ષીય મહિલાએ આપધાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ મહિલાનું નામ ચાંદની સંતોષકુમાર મોર્યા હતું. મહિલાએ ગતરોજ સાંજે પોતાના ૨ મહિનાનાં બાળકને દૂધ પીવડાવી સુવડાવી બાજુના રૂમમાં જઈ પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મહિલાના પિતાએ મૃતકના પતિ, દિયર અને સસરા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
ગતરોજ સાંજે મૃતક મહિલાનો દિયર જાેબ પરથી આવ્યો ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને અંદર જાેરજાેરથી ભત્રીજાનો રડવાનો અવાજ આવતો હતો.
બુમ પાડી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અંતે પાડોશીઓને બોલાવીને જાળી તોડી અંદર જતા ભાભી રૂમમાં લટકતા હતા અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો. દિયરે ભાભીને નીચે ઉતારી અને ૧૦૮ને બોલાવી હતી. ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે ભાભીને મૃત જાહેર કર્યા હતા.
મૃતકનાં પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૨૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ ચાંદનીના સંતોષકુમાર મોર્યા સાથે થયા હતા. લગ્નના બે ત્રણ માસ સુધી સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ચાંદનીએ બે માસ પહેલા દીકરાને જન્મ આપ્યો હતો.
દીકરીએ ઘરે આવી પિતાને જાણ કરી હતી કે પતિ સહિત સાસરિયા કહેતા હતા કે ઘરમાં કામ બરાબર કરતી નથી, તને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.HS