શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે મલ્હાર-૨૦૨૨ વાર્ષિકોત્સવ યોજાયો

(પ્રતિનિધિ) શહેરા, સરકારી વિનયન કોલેજ શહેરા દ્વારા આયોજિત કોલેજના વાર્ષિક ઉત્સવ મલ્હાર કોલેજના પ્રિન્સિપાલ ડો. વિપુલ ભાવસારના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી. પ્રસ્તુત કાર્યક્રમનો પ્રારંભ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.
પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી પ્રિન્સીપાલશ્રીએ તેમનું શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કોલેજના વાર્ષિક મેગેઝિન “અયનમ” નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. પ્રસ્તુત મેગેઝિન માટે કોલેજના સિનિયર પ્રોફેસર ડૉ. ડી. આર. માછીએ કોલેજની ધ્યેય સિદ્ધ વિશેષતાઓ વિશે દિશા સૂચન કર્યું હતું. વર્ષ દરમિયાન બેસ્ટ પરફોર્મન્સ આપનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર નરેન્દ્ર બારીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને વિશેષ કારકિર્દી ઘડતર માટે પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ સપ્તધારાની વિવિધ ધારાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને બેસ્ટ પર્ફોમન્સ બદલ સર્ટીફીકેટ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આર. જે. માછી (નિવૃત્ત નાયબ નિયામક) ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી (ગાંધીનગર) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં આગળ વધવા વિશેષ પ્રેરણા આપી હતી.