પતિના Canada જવા માટેના અભરખાથી ત્રાસી યુવતીએ ફરિયાદ નોંધાવી
અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતી એ એના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન બાદ પહેલા દિવસથી જ તેના સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્નમાં આવેલા દાગીના તથા રોકડા સાસુએ લોકરમાં મૂકી દીધા હતા અને સસરાએ બીજે દિવસથી નોકરી કરવાનું કહ્યું હતું.
એટલું જ નહીં, વિદેશ જવા માટે તેના પતિને અભરખા થયા હતા જેથી તેને પિયરમાં મૂકી આવ્યો હતો અને બાદમાં વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપી પૈસા લઈને આવવા માટે કહેતા યુવતીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના સોલા વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી તેના માતા-પિતા ભાઈ ભાભી સાથે એકાદ વર્ષથી પિયરમાં રહે છે.
આ યુવતીના લગ્ન વર્ષ ૨૦૨૦માં થલતેજ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે ગઈ હતી. લગ્નના પ્રથમ દિવસે જ આ યુવતીની સાસુએ ૨.૫૦ લાખના દાગીના તથા રોકડા બેંકના લોકરમાં મૂકવાનું જણાવી તેની પાસેથી લઈ લીધા હતા અને બીજા દિવસે સસરાએ યુવતીને નોકરી ચાલુ કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ નોકરી ચાલુ કરી હતી.
ત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું અને આ યુવતીનો પગાર ૨૫,૦૦૦ રૂપિયા હતો. ત્યારબાદ ત્રણ ચાર મહિના પછી યુવતીના પતિએ તેને અન્ય IT કંપનીમાં નોકરીએ લગાડી હતી. જેનો પગાર ૩૦,૦૦૦ રૂપિયા હતો જે તમામ પગાર આ યુવતીનો પતિ લઈ લેતો હતો.
આ સમય બાદ યુવતીના સાસુ-સસરા તેને મહેણા મારતા કે, તું તારા લગ્ન વખતે માતા-પિતાને ત્યાંથી કાંઈ લાવી નથી ઘરમાં શાંતિથી રહેવું હોય તો તારા પિતાના ધંધામાં તારો હિસ્સો માંગી લે અને પિયરમાંથી વધારે સોનું લઇ આવ.
યુવતી આ અંગે ના પાડે તો તેનો પતિ તેને માર મારતો હતો. તેમ જ ત્રાસ આપી સાસરિયાઓએ તેને સમયસર જમવાનું પણ આપતા નહોતા. હોળી દરમ્યાન આ યુવતી તેના ભાભી તથા ફોઈ પાસે ગઈ હતી, ત્યારે તેણે તેના સાસરે થતા ત્રાસ બાબતે વાત કરી હતી અને બાદમાં સાસુને કહ્યું હતું કે, હું તમારો ત્રાસ હવે સહન કરીશ નહિ મારા ભાભી અને ફોઈને બધું જણાવી દીધું છે.
તેથી તેઓને ત્યાં તેની સાસુએ બોલાવતા તેઓની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ૨૦૨૧માં યુવતીનો પતિ તેના પિયરમાં મૂકી ગયો હતો અને IELTS ની પરીક્ષા આપી સારા બેન્ડ સાથે પાસ થઇને કેનેડા જવા માટે પૈસા લઈને આવજે નહિતર આવતી નહીં તેમ કહી જતો રહ્યો હતો. અનેકવાર બન્ને પક્ષનાં સમાજના લોકો દ્વારા સમાધાન માટે પ્રયાસ કર્યા હતા.
પરંતુ આ બાબતે લઈને સાસરિયાઓએ ત્રાસ શરૂ રાખતા યુવતીએ આખરે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બાબતને લઇને તપાસ શરૂ કરી છે.SSS