Western Times News

Gujarati News

ધોળા દિવસે ખંડણી માંગીને વૃદ્ધની તેમની દુકાનમાં હત્યા

મોરબી, હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી વાસ્તવિક ઘટના તાજેતરમાં મોરબી જિલ્લાના ટંકારામાં બની હતી. દુકાનદાર વૃદ્ધ તેમની દુકાને હતા ત્યારે તેના લમણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના દીકરાને અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેમજ અન્ય એક વેપારી પાસેથી પણ પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી.

જેની ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ખાસ કરીને ગંભીર ગુના વધુ બની રહ્યા છે. જે સમાજ માટે લાલબતી સમાન છે ત્યારે ટંકારા વિસ્તારમાં જુદા-જુદા બે વેપારીઓને જુદાજુદા મોબાઈલ નંબર ઉપરથી અજાણ્યા શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગવામાં આવી હતી.

જેમાં ટંકારામાં આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સવજીભાઈ કકાસણી (ઉંમર ૩૭ વર્ષ) પાસેથી ૧૦ લાખ અને ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ મુછાળા પટેલ (ઉંમર ૪૫) પાસેથી પાંચ લાખ આમ કુલ મળીને ૧૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં નવો જ ખુલાસો સામે આવ્યો છે.

ફરિયાદી અરવિંદભાઈ કકાસણીના પિતા સવજીભાઈ રામજીભાઇ કકાસણીની તેમની દુકાન સરિતા ટ્રેડિંગમાં બેઠા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

જેથી પોલીસે ત્રણ આરોપી હર્ષિત બેચારભાઈ ઢેઢી (રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા, ૧૯ વર્ષ), પ્રિન્સ જિતેન્દ્રભાઈ અઘારા (રહે. લો વાસ ટંકારા, ઉંમર ૨૦ વર્ષ) અને યોગેશ રવિન્દ્રભાઈ પાવરા (રહે. પીઓ વોટર પ્લાન્ટના કવાર્ટરમાં ટંકારા) ની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ટંકારા પોલીસે ખંડણી અને ફોન ઉપર ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જાેકે, આ ગુનામાં પકડાયેલા આરોપીઓએ સવજીભાઈ રામજીભાઇ કકાસણીની દેશી કટ્ટાથી તેમના લમણે ફાયરિંગ કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી હત્યા, કાવતરું સહિતની કલમનો પોલીસે ઉમેરો કર્યો છે.

પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, હર્ષિત ઢેઢી મૃતક સવજીભાઈની દુકાને આવતો જતો હતો. જેથી કરીને તેને દુકાને કરવામાં આવતા આર્થિક વ્યવહારની જાણકારી હતી અને તેને પ્રિન્સ અઘારાને પોતાની સાથે રાખ્યો હતો અને પ્રિન્સ અઘારા કોઈ જગ્યાએથી દેશી કટ્ટો લઈને આવ્યો હતો. જેનાથી હર્ષિત ઢેઢીએ સાવજીભાઇની હત્યા કરી હતી.

જાે કે, તે સમયે પરિવારના લોકોને એવું લાગ્યું હતું કે, હાર્ટ એટેક આવ્યો હોવાથી નીચે પડ્યા હશે અને માથામાંથી લોહી વહી જવાથી તેઓ ચોંકી ગયા હતા. ત્યાર બાદ મૃતકના દીકરા અને અન્ય વેપારીને ખંડણી માટેના ફોન કરવામાં આવ્યા અને તેના પરિવારના લોકોને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ગુનો નોંધાયો હતો અને તેમાં ત્રણેય હત્યારાને પોલીસે ઝડપી લીધા છે.

તેમની પાસેથી ત્રણ મોબાઈલ અને એક બાઇક કબજે કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ છે કે, આરોપી હર્ષિત ઢેઢી અને પ્રિન્સ અઘારા ગુનાહિત માનસિકતા ધરાવે છે અને અગાઉ પણ કેટલાક ગુના તેને આચર્યા હોવાની શક્યતા છે.

જેથી કરીને પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટે હાલમાં તજવીજ શરૂ કરવામાં આવી છે. જાે કે, પ્રિન્સ અઘારા જે હથિયાર લઈને આવ્યો હતો તે તેની પાસે કયાથી આવ્યું હતું, શા માટે આ શખ્સો દ્વારા સાવજીભાઇની હત્યા કરવામાં આવી હતી, આટલા બધા રૂપિયાની ખંડણી શા માટે માંગવામાં આવી હતી અને આ ગુનામાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે સહિતના અનેક પ્રશ્નોનાં ભેદ હજુ વણ ઉકેલાયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.