Western Times News

Gujarati News

ગળામાં કાંકરો ફસાઈ જતાં નવ મહિનાના બાળકનું મોત

છોટાઉદેપુર, બાળકો જ્યારે રમતા હોય ત્યારે તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. અમુક વખતે રમત-રમતમાં બાળકો એવું કંઈક કરી બેસતા હોય છે જેના કારણે તેમનો જીવ જાેખમમાં મૂકાઈ શકે છે. કેટલીક વખત તો તેમની રમત જીવલેણ પણ સાબિત થાય છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના રતનપુર ગામમાં ૯ મહિનાના બાળકના ગળામાં કાંકરો ફસાઈ જતાં મોત નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બાળકને ઓરીની રસી મુકાયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં બાદમાં તેને મૃત જાહેર કરાયું હતું. ઓરીની રસીના કારણે બાળકનું મોત થયું હોવાનો તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. પોલીસ સ્ટેશને મામલો પહોંચતા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

જેમાં બાળકના મોતનું અસલી કારણ સામે આવ્યું હતું. રતનપુર ગામમાં રહેતી ગાયત્રી વસાવાના નવ મહિનાના બાળકને નજીકના હેલ્થ સેન્ટરમાં ઓરીની રસી મૂકવા માટે લઈ જવાયો હતો. ઘરે આવ્યા બાદ બાળક રમતો હતો ત્યારે બપોર બાદ અચાનક તેને શ્વાસમાં તકલીફ થવા લાગી હતી.

તેને હાંડોદની હોસ્ટિપલમાં લઈ જવાયો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થયું હતું. સ્થાનિક સરપંચ મોતીભાઈને જાણ થતાં તેમણે તાત્કાલિક સંખેડા રેફરલમાં તેના મૃતદેહને લાવવા માટે કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ રસીના કારણે મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ કારણથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સૌથી પહેલા બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકના ગળામાં કાંકરો ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ જ કારણે તેને શ્વાસમાં તકલીફ થઈ હતી અને મોત નીપજ્યું હતું.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. વૈશાલીબેન પરમારે જણાવ્યું હતું કે, સંખેડા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. જ્યાં બાળક રમતાં-રમતાં કાંકરો ગળી જતાં તે ફસાઈ ગયેલો મળી આવ્યો હતો. જેના કારણે શ્વાસ રૂંધાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.