Western Times News

Gujarati News

મહિલા પોલીસે વૃદ્ધાને પીઠ પર ઉપાડીને 5 કિમી દૂર આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા

કચ્છનો સુકો રણપ્રદેશ.  ઉનાળામાં કેવી  આકરી ગરમી હોય તેની વાત ન પૂછો. ત્યારે આવા સમયમાં કચ્છ પોલીસની સરાહનીય કામગીરીએ લોકોના દિલ જીતી લીધા છે. ખડીરના સફેદ રણમાં એક વૃદ્ધા બેહોશ થઇ ગયા હતા. આ વાતની ખબર પડતા જ રાપરના મહિલા પોલીસ પાણી લઇને સફેદ રણ સુધી દોડી આવ્યા. Rapar Police Woman cop Varsha Parmar carries ailing 86-year-old on shoulders for 5 kilometres in Gujarat’s Kutch desert

મહિલા પોલીસ વર્ષાબેન પરમારે વૃદ્ધાને પાણી આપતા તેઓ હોશમાં તો આવ્યા પરંતુ વૃદ્ધાની તબિયત ખરાબ હતી.  વળી પાછો રહ્યો રણ પ્રદેશ એટલે વાહનની પણ કોઇ સુવિધા નહી. એટલે મહિલા પોલીસે વૃદ્ધાને પીઠ પર ઉપાડીને 5 કિમી દૂર આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડ્યા.

ખડીરના સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે.  અહીં મોરારિ બાપુની કથા યોજાઇ હતી. વળી દાદાના દર્શન કરવા ભક્તો અવારનવાર પગપાળા આવતા હોય છે.

ત્યારે 86 વર્ષના એક વૃદ્ધા પણ પગપાળા મંદિરના દર્શન કરવા આવ્યા હતા.  પરંતુ ભારે ગરમીને કારણે તેઓ ડુંગર પર ચઢતા ચઢતા ચક્કર ખાઇને પડી ગયા. વળી રણપ્રદેશ હોવાથી આસપાસ પાણી ન મળવાને લીધે બેહોશ થઇ ગયા હતા.

ત્યારે રાપરના મહિલા પોલીસ વર્ષા પરમારે 86 વર્ષીય વૃદ્ધાનો જીવ બચાવીને ખરા અર્થમાં સેવા, સુરક્ષા અને શાંતિના સ્લોગનને સાર્થક કર્યું છે. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ વર્ષાબેનની કામગીરીની બિરદાવી હતી. તેમણે કહ્યુ કે, પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને વૃદ્ધો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકોની સેવા કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.