અમદાવાદમાં 11 મોટા વેપારીના ત્રાસથી કંટાળેલા વેપારીનો આપઘાત

Files Photo
હવાલાના પૈસાની ઉઘરાણી કરનાર વેપારીની ઓફિસે જઇ રૂપાણીના ભત્રીજા તેમજ બધા પ્રધાનોની ઓળખ આપી માર મારી ધાકધમકી આપતો હતો
(એજન્સી) અમદાવાદ, નવા વાડજમાં રહેતા કપડાંના હોલસેલના વેપારીએ દુકાન, મકાન તેમજ દરદાગીના વેચીને દેવું ચૂકતે કર્યું હોવા છતાં અગિયાર જેટલા મોટા વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. હવાલાના પૈસાની ઊઘરાણી કરનાર વેપારીની માર મારી ધમકી આપતો હતો.
નવા વાડજમાં આવેલા સ્વામિનારાયણ પાર્ક-૧માં રહેતા વિનય જીગનરે મુંબઇમાં રહેતા રાજેન્દ્ર શરાફ, ગોપાલ, નીલેશ પંચાલ, વિનય અગ્રવાલ તેમજ નારોલના ખાતેના પ્રિન્ટના માલિક સંજય બાબા, દીપક બાબા, અસલમ બાબા, ધનલક્ષ્મી ટેક્સટાઇલના માલિક કમલેશ, ઋષભ એન્ટરપ્રાઇઝના માલિક ઋષભ, હિન્દુસ્તાન એન્ટરપ્રાઇઝના માલિક વિક્રમ, મેક્સિમાના માલિક યશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિનયના પિતા શામજીભાઇ આશ્રમરોડના રત્નમ બિઝનેસ સ્કવેરમાં એમ.સી.વી. માય ચોઇસ ટેક્સટાઇલ્સ નામથી ૩૫ વર્ષથી કપડાનો હોલસેલ વેપાર કરે છે.
અગિયાર વર્ષ અગાઉ ધંધામાં નુકસાન જતાં વિનયના પિતા શામજીભાઇએ દુકાન, મકાન તથા દાગીના વેચીને બધુ દેવુ ચૂકતે કરી દીધું હતું. ત્યારબાદ શામજીભાઇ કપડાનો નાનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને કોરોનાના કારણે તેમનો ધંધો બે વર્ષ સુધી બંધ રહ્યો હતો. ત્યારબાદ છેલ્લા એક વર્ષથી તેઓ ઓફિસ રાખી કામધંધો કરતા હતા.
આજથી પાંચ મહિના પહેલા શામજીભાઇ સાથે વિનય ઓફિસ પર ગયો હતો. સાંજના ચાર વાગ્યાની આસપાસ વિનય અગ્રવાલ તથા તેની સાથે કોઇ અન્ય એક વ્યક્તિ ઓફિસ પર આવી હતી અને વિનય અગ્રવાલે શામજીભાઇને કહ્યું કે મારી સાથે જે વ્યક્તિ આવી છે.
સાહેબનો ભત્રીજાે છે તેવી ઓળખામ આપીને મુંબઇના રાજેશ શરાફ વતી લીધેલા હવાલાવાળા પૈસાની ઉઘરાણી માટે આવ્યા છીએ. તેઓએ આમ કહી જબરદસ્તી શામજીભાઇ પાસે કાગળો તેમજ ઘણા બધા ચેક પર સહીઓ કરાવી હતી અને એક લાખ રૂપિયાનું પેમેન્ટ લઇ જતા રહ્યા હતા.
ત્યારબાદ થોડા સમય પછી ફરી વાર વિનય અગ્રવાલે શામજીભાઇની ઓફિસ પર આવીને કહ્યું કે હું બધા પ્રધાનોને ઓળખું છું એટલે હું જે ધારું તે કરી શકું છું. તમારા ઘરના સભ્યોનાં અપહરણ પણ કરાવી શકું છું તેમજ તમારા પરિવારના હાથ-પગ પણ તોડાવી શકું છું અને હું પૈસાની ઉઘરાણી માટેની કામગીરી કરું છું.
શામજીભાઇ પર વેપારીના ફોન આવતા ત્યારે તેઓ કહેતા હતા કે મારી પાસે પૈસાની વ્યવસ્થા થઇ જશે એટલે આપી દઇશ અને છેલ્લા મહિનાથી તેમના ધંધાના કારણે શામજીભાઇ બહુ જ ટેન્શમાં રહેતા હોવાથી તેમને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તકલીફ થઇ હતી.
ત્યારબાદ શામજીભાઇ વેપારીઓને મળવાનું છે તેમ કહીને બાઇક લઇ ઘરેથી નીકળી ગયા હતા. શામજીભાઇએ આ સમયે તેમનાં પત્ની અને દીકરી સાથે ફોન પર વાત કરીને થોડી વારમાં ઘરે આવું છું તમ કહીને ફોન મૂકી દીધો હતો.
શામજીભાઇના મિત્ર મોહંમદભાઇએ વિનયને ફોન કરીને કહ્યુ કે તારા પપ્પાના ફોન પર ફોન કરતાં તેમનો ફોન ફાયર બ્રિગેડના માણસોએ ઉપાડ્યો હતો અને તેમણે કહ્યું કે એક ભાઇની લાશ સાબરમતી નદીમાંથી મળી છે. ત્યારબાદ વિનય અને તેનો પરિવાર તાત્કાલિક રિવરફ્રન્ટ પહોંચી ગયા હતા.
શામજીભાઇએ જે જગ્યા પરથી નદીમાં કુદકો માર્યો હતો તે જગ્યા પરથી એક ઝેરી દવાની ખાલી બોટલ તેમજ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી, જે તમામ વસ્તુઓ પોલીસે કબજે કરી હતી.
શામજીભાઇએ સ્યૂસાઇડ નોટમાં વેપારીઓના ત્રાસ, ધમકી, હેરાનગતિથી બહુ જ કંટાળીને આ પગલું ભર્યું હોવાનું લખ્યુ હતું.