ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવે છે ડોક્ટર અને હેલ્થકેર સેવાઓઃ સુપ્રીમ
નવી દિલ્હી, ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસને ૨૦૧૯ના ગ્રાહક સુરક્ષા ધારાના કાર્યક્ષેત્રમાંથી બાકાત ન રાખવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ અંગે બોમ્બે કોર્ટના ચુકાદાને પણ માન્ય રાખ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પણ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, ડોક્ટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર્સને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ આવરી લેવામાં આવેલા છે.
સુપ્રીમ કોર્ટે આ અંગેની જાહેરહિતની અરજીને ઈરાદાપૂર્વકની અરજી ગણાવી હતી. મેડિકોસ લીગલ એક્શન ગ્રુપ નામના એનજીઓએ આ અરજી કરી હતી. અરજદાર વતી સિનિયર વકીલ સિદ્ધાર્થ લુથરાએ તેવી દલીલ કરી હતી કે, ૧૯૮૬ના કાયદામાં સર્વિસની વ્યાખ્યામાં હેલ્થકેર સર્વિસનો ઉલ્લેખ નથી.
નવા ધારામાં હેલ્થકેરનો સમાવેશ કરવાની દરખાસ્ત હોવા છતાં હકીકતમાં તેનો સર્વિસની વ્યાખ્યામાં ઉલ્લેખ થયો નથી. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેમ પણ જણાવ્યું હતું કે, કાયદો કોઈપણ પ્રકારની સેવાનો ઉલ્લેખ કરે છે અને સેવાની વ્યાખ્યા પૂરતી વ્યાપક છે.
જાે સંસદ તેને બાકાત રાખવા માગતી હોત તો સ્પષ્ટ રીતે જાેગવાઈ કરી હોત. જસ્ટિસ ચંદ્રચુડેએ વકીલને કહ્યું હતું કે, તેમના ક્લાયન્ટે પોતાના જ હીતનું હકીકતમાં નુકસાન કર્યું છે. ડોક્ટર્સ સામે બેદરકારીના ઘણા કેસ થયા છે અને તેમણે આ જાહેરહિતની અરજીની ફરજ પાડી છે.
આ ઈરાદાપૂર્વકની અરજી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ઉમેર્યું હતું કે, હેલ્થકેરને કેમ દૂર રાખવામાં આવ્યું તેનું કારણ એ છે કે સર્વિસની વ્યાખ્યા પૂરતા પ્રમાણમાં વ્યાપક છે. અને સંસદમાં મંત્રીની સ્પીચ જેનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે તે કાયદામાં સ્પષ્ટ આલેખિત બાબતને નિયંત્રિત કરી શકે નહીં.
જસ્ટિસ ચંદ્રચુડેએ તેમના તાજેતરનું ઉહાદરણ ટાંકીને જણાવ્યું હતું કે, આવો કિસ્સો ટેલિકોમ સર્વિસ સંબંધિત હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદા અને દંડને પણ માન્ય રાખ્યો હતો. આ સિવાય આગામી ચાર અઠવાડિયાની અંદર દંડ ચૂકવવા માટે કહ્યું હતું.SSS