Western Times News

Gujarati News

સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા પાલનપુર વર્તુળ કચેરી સંકલ્પબદ્ધ

આવતીકાલે ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે UGVCL ની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
આવતીકાલ તા.૧૧ મે-૨૦૨૨ના રોજ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ અને ઉર્જા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી,પૂર્વ મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ અને પૂર્વ મંત્રીશ્રી કાંતિભાઇ કચોરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. ૧૬૪.૩૨ લાખ ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- ૧ અને ૨, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. ૪૮૬.૧૩ લાખના ખર્ચે તૈયાર થઇ છે.

બનાસકાંઠા જિલ્લો રાજ્યની ઉત્તર સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ- ૧૨૩૭ ગામો અને ૬ શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ૧૭૫ સબ સ્ટેશનમાંથી કુલ- ૧૯૮૯ ફીડરો દ્વારા અને ૧,૩૫,૬૧૯ ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- ૯,૩૭,૫૮૯ જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧,૫૪,૪૬૨ જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે.
રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ- ૨૦૨૧-૨૨ દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં ૭,૦૭૦ નવિન ખેતી વિષયક વીજ ૧૦ મે ૨૦૨૨સમા.સંખ્યા નં.૩૧૨ જોડાણો રૂ. ૧૨,૭૯૩ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં ૬,૪૮૯ નવિન ખેતીવાડી વીજ જોડાણો રૂ. ૧૧,૪૮૪ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે.

“સરદાર કૃષિ જ્યોતિ યોજના” અન્વયે ખેડૂતોને સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવાના હેતુ માટે કૃષિ વિષયક ફીડરોના જુના જર્જરિત વીજ વાયરોને અને આનુસંગિક માલસામાન બદલવાની કૃષિ વિષયક ફીડરોના વિભાજનની કામગીરી માટે વર્ષ- ૨૦૨૦-૨૧માં રૂ. ૯૫.૧૫ લાખના ખર્ચે ૧૪૪ કિ.મી. વીજવાયર બદલાવી વિવિધ ખેતીવાડી ફીડરોના સુદ્રઢીકરણની કામગીરી કરવામાં આવી છે. વર્ષ-૨૦૨૦-૨૧ દરમ્યાન લોડ વધારાને ધ્યાનમાં લઈને સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં કુલ-૧૦૧ ફીડરોનું અંદાજીત રૂ. ૧,૦૮૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ-૧૦૦ ફીડરોનું વિભાજન અંદાજીત રૂ. ૧,૦૬૬ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રકચર શિફ્ટિંગ યોજના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળના વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણ રૂપ હયાત વીજવિતરણ રેષાઓ અને સંલગ્ન વીજમાળખાનું શિફ્ટિંગ/ રિપ્લેસમેન્ટ કરવામાં આવેલ છે. જે અન્વયે વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારમાં કુલ રૂ. ૨૮૪.૬૭ લાખના ખર્ચે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ઉપર અડચણરૂપ વીજમાળખાઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

જે પૈકી બનાસકાંઠામાં કુલ રૂ. ૨૭૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. “સૂર્ય ગુજરાત- સોલાર રૂફટોપ યોજના” અન્વયે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરીના વિસ્તારમાં કુલ- ૨,૭૨૦ સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠામાં અંદાજે ૧,૮૪૦ વીજગ્રાહકો દ્વારા સોલાર રૂફટોપ પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવેલ છે. “પી.એમ. કુસુમ યોજના” અન્વયે ખેડૂતો સૌર ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી ૫ હોર્સ પાવર, ૭.૫ હોર્સ પાવર તેમજ ૧૦ હોર્સ પાવરના પોતાના પંપસેટ ચલાવી શકે તે હેતુથી સરકારશ્રીની પી.એમ. કુસુમ યોજના કોમ્પોનેટ-બી અન્વયે પાલનપુર વર્તુળ કચેરી હેઠળ ૩૯ અરજદારોને ઓફ ગ્રીડ સોલાર વોટર પંપસેટ આપવામાં આવેલ છે. “સૂર્ય શક્તિ કિસાન યોજના” અન્વયે રાજ્યના ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્ય ઊર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી જરૂરિયાત મુજબ વપરાશ કર્યા બાદ બાકીની વીજળી વીજવિતરણ કંપનીઓને વેચીને વધારે આવક ઉભી કરી શકે છે.

જેમાં પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારના ૫ ફીડરો કાર્યાન્વિત કરીને ૧૪૩ ખેતીવાડી વીજગ્રાહકોને લાભ આપવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૨ ફીડરો કાર્યાન્વિત કરી ૭૫ ખેતીવાડી વીજગ્રાહકોને લાભ આપવામાં આવ્યો છે. “અનુસૂચિત જાતિ પેટા યોજના” અન્વયે સરકારશ્રી તરફથી ખાસ અંગભૂત પેટા યોજના હેઠળ મળતી ગ્રાન્ટ હેઠળ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને કુલ-૧,૩૫૫ વીજજોડાણો રૂ. ૭૦ લાખના ખર્ચે વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન આપવામાં આવ્યા છે. જે પૈકી બનાસકાંઠામાં કુલ- ૧,૧૭૦ વીજજોડાણ રૂ. ૬૦ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે. “કુટીર જ્યોતિ યોજના” હેઠળ રાજ્ય સરકારશ્રી તરફથી આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓના ઘરોનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. જે માટે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પાલનપુર વર્તુળ કચેરી વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૧,૧૫૧ વીજજોડાણો રૂ. ૬૨.૫૮ લાખના ખર્ચે આપવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે સાથે સાથે વિકટ સમયમાં આવેલ વિનાશક પૂર વખતે વીજ- વિતરણ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે આપેલ મહત્વનું યોગદાન આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.