Western Times News

Gujarati News

સયાજી હોસ્પિટલમાં ત્રણ પ્રોબ ધરાવતું લ્યુમિફાય ટેબ્લેટ પોર્ટબલ મશીન સ્થાપિત

આ વિભાગમાં આવતા દૈનિક ૩૦૦ થી વધુ દર્દીઓની ત્વરિત અને સ્થળ પર તપાસ નિદાન અને સચોટ સારવાર નિર્ધારિત કરવામાં આ ટચૂકડા અદ્યતન ઉપકરણો ખૂબ ઉપયોગી બનશે

ઉત્પાદક કંપનીનો દાવો છે કે રાજ્યની અન્ય કોઈ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારના અદ્યતન યંત્રો નથી..

વડોદરા, સાંસદશ્રીઓ, ધારાસભ્યો તેમજ સંસ્થાઓ અને કોર્પોરેટ્સ ની મદદ થી મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી સયાજી હોસ્પિટલની તબીબી સાધન સમૃદ્ધિ સતત વધી છે અને કોરોના કાળ પછી તેમાં આશીર્વાદ રૂપ વધારો થયો છે.આ કડીને આગળ વધારતા આજે સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા ના રૂ.૨૫ લાખના વિધાયક અનુદાન ની મદદથી ખૂબ અદ્યતન,વિવિધ પ્રકારે ઉપયોગી અને જીવન રક્ષક કહી શકાય તેવું, એક કે બે નહિ પણ ત્રણ પ્રોબ્ ધરાવતું લ્યૂમિફાય ટેબ્લેટ પોર્ટેબલ મશીન સ્થાપિત અને કાર્યરત કરવામાં આવ્યું છે.

તેના ત્રણ પ્રોબ જાતે જ એક સ્વતંત્ર ઉપકરણ તરીકે ઉપયોગી છે.જીતુભાઇ ના અનુદાન થી આ અત્યંત જરૂરી સાધન સયાજી હોસ્પિટલ ને મળ્યું છે.તેના ઉત્પાદક ફિલિપ કંપનીના પ્રતિનિધિ કહે છે કે આ પ્રકારના અતિ અદ્યતન ત્રણ પ્રોબ રાજ્યના સરકારી દવાખાનાઓમાં સહુ થી પહેલા સયાજી હોસ્પીટલમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં પણ આ પ્રકારના અદ્યતન યંત્રો ભાગ્યેજ ઉપલબ્ધ છે.તાત્કાલિક સારવાર વિભાગમાં દૈનિક ૩૦૦ થી વધુ દર્દીઓ,અકસ્માતોના ઇજાગ્રસ્તો ઇત્યાદિ ને લાવવામાં આવે છે જે પૈકી ઘણાં કટોકટીની સ્થિતિમાં હોય છે.

અને તેમની ત્વરિત તપાસ અને સચોટ નિદાન,ઝડપી સારવાર અનિવાર્ય છે તેવી જાણકારી આપતાં એસોસિયેટ પ્રોફેસર( સહ પ્રાધ્યાપક) ડો.બેલીમ ઓ.બી. જણાવે છે કે વજનમાં ખૂબ હળવા આ પ્રોબને તબીબ દર્દીની પથારી સુધી સહેલાઇ થી,કોઈની મદદ વગર એકલે હાથે લઈ જઈને છાતી અને પેટની તપાસ, સોનોગ્રાફી,ઇમરજન્સી ઇકો કાર્ડિયોગ્રાફી જેવી પ્રોસિજર કરી ત્વરિત અને સચોટ નિદાન કરી શકે છે જે સારવાર નિર્ધારિત કરીને ત્વરિત શરૂ કરવામાં ખૂબ ઉપયોગી બને છે.તાત્કાલિક સારવારનું નવું વિજ્ઞાન પી.ઓ.સી.ટી. વિકસી રહ્યું છે જેમાં આ પ્રકારના ઉપકરણો ચાવી રૂપ અગત્યતા ધરાવે છે.

ઇમરજન્સી વિભાગના કાર્યકારી વડા અને સર્જન ડો.બેલીમ વધુમાં જણાવે છે કે તાત્કાલિક સારવાર વિભાગમાં ઘણીવાર વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ તાત્કાલિક કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.તેવા સંજોગોમાં આ સહેલાય થી પથારી સુધી કે સ્ટ્રેચર સુધી લઈ જઈને સોનોગ્રાફી અને ઇકોકાર્ડિયોગ્રાફી શક્ય બનાવતું ઉપકરણ ખૂબ ઉપયોગી બની રહે છે.આ ઉપકરણો તબીબી શિક્ષણમાં પણ ઉપયોગી બનશે.તેને મોબાઈલ,કોમ્પ્યુટર,લેપટોપ અને ટેબ્લેટ સાથે જોડી શકાય છે.

અત્યાર સુધી ક્રિટીકલ હાલતમાં આવેલા દર્દીઓને ઇકોકાર્ડિયોગ્રાફી ઇત્યાદિ માટે અન્ય હોસ્પિટલોમાં મોકલવા પડતાં.આ ઉપકરણો થી તે સ્થળ પર શક્ય બનતાં હાલાકી ઘટશે અને જીવન રક્ષા થશે.શ્રી જીતુભાઈ સુખડીયા એ આ ઉપકરણો માટે અનુદાન ફાળવી ઘણું મોટું દર્દી સેવાનું કામ કર્યું છે તેવા શબ્દોમાં આભાર વ્યક્ત કરતાં ડોકટર બેલીમે જણાવ્યું કે તાત્કાલિક સારવાર વિભાગને આ ઉપકરણ મળે તે માટે તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે ઘણું ઉમદા સૌજન્ય બતાવ્યું છે. અમે તેમનો પણ આભાર માનીએ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.